- ભાજપ ઉમેદવારોના જીતાડવા અપીલ
- ભાજપના વિજય વિશ્વાસ જાહેર સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
- દેશ અને ગુજરાતના વિશાળ સમુદ્ર કિનારાના વિકાસ માટે સરકાર કટિબદ્ધ
ગીર સોમનાથ: વેરાવળમાં પાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહયો છે, ત્યારે ગઇકાલે રાત્રે શહેરની મઘ્યમાં ટાવર ચોકમાં યોજાયેલ ભાજપની વિજય વિશ્વાસ જાહેરસભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકોને ભ્રમિત કરવા સિવાય કંશુ કામ કરી શકે તેમ નથી. જયારે ભાજપ વચનો આપી તે પુરા કરવાની સાથે શહેરો-ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધતા ઘરાવે છે. આ સભામાં સતાઘારી ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવતા 50થી વઘુ યુવા કોંગી હોદેદારો અને કાર્યકરોને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કેસરી ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
20 હજાર કરોડની માછીમાર સંપદા યોજના જાહેર કરી
વેરાવળના ટાવરચોકમાં યોજાયેલા વિજય વિશ્વાસ જાહેર સભામાં ઉમટેલી જનમેદનીને સંબોઘતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, વેરાવળમાં ફિંશીંગ ઉદ્યોગ મોટાપાયે ધમધમી રહ્યો છે. જેને ઘ્યાને લઇને 20 હજાર કરોડની માછીમાર સંપદા યોજના જાહેર કરી છે. જેના થકી સમગ્ર માછીમાર સમાજને સમૃદ્ધ બનાવવાની ભાજપ સરકાર અને વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની નેમ છે.
માછીમારો મંડળી બનાવીને ફક્ત રૂપિયા 20 લાખ ભરી મેળવી શકશે
આગામી સમયમાં ગુજરાતના માછીમારો ડીપ સી ફિંશીંગ કરી શકે તે માટે આઘુનિક ટ્રોલર બોટો માછીમારો આપવાની યોજના અમલમાં આવી રહી છે. આ માટે દેશમાં કેરલ અને કલકતામાં મોદી સરકારની સુચનાથી ભારત સરકારની કંપનીએ આધુનિક ટ્રોલર બોટો બનાવવાનું કામ શરૂ કરી દીઘુ છે. રૂપિયા 1.20 કરોડની આધુનિક ટ્રોલર બોટ માછીમારો મંડળી બનાવીને ફકત રૂપિયા 20 લાખ ભરી મેળવી શકશે, જયારે ટ્રોલર બોટની બાકીની રૂપિયા 1 કરોડની રકમમાં 60 ટકા સબસીડી આપવામાં આવશે. આ ઉપરાંત 40 લાખની લાંબા ગાળાની લોન કરાવીને આપવાનું આયોજન મોદી સરકાર કરી રહી છે. આમ, માછીમારો વેપાર સમૃદ્ધ બનાવી શકે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
ગુજરાતના વિશાળ દરિયા કિનારાના વિકાસ માટે મોદી સરકાર કટીબદ્ધ
પ્રધાન મનસુખ માંડવીયાએ વઘુમાં જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતના વિશાળ દરિયા કિનારાના વિકાસ માટે મોદી સરકાર કટીબદ્ધ છે. ગીર સોમનાથમાંથી દરરોજ 40થી 50 ટ્રકો પ્રોસેસ થવા માટે મુંબઇ જાય છે. જેને અહીંથી પહોંચતા વીસેક કલાક જેવો સમય લાગે છે. જેથી આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના મુળ દ્વારકા અને પીપાવાવ બંદરને હજીરા અને મુંબઇ સાથે દરીયાઇ માર્ગે જોડી દેવાનું કામ કરી રહ્યા છે. છ માસ બાદ અહીના વેપારી-ઉઘોગકારો બન્ને બંદરોથી હજીરા અને મુંબઇ સુઘી રો-રો પેક ફેરી સર્વીસ થકી પાંચથી સાત કલાકમાં માલ પહોંચાડી શકે તેવું આયોજન કરાયું છે.
ચૂંટણી પૂર્વે જ ભાજપની 230 બેઠકો બિનહરીફ
તેમણે વઘુમાં જણાવ્યું હતું કે, લોકોનો એક એક મત દેશને બદલવા માટે સાથે દેશની સુરક્ષા માટે ઉપયોગી થવાનો છે. દેશ માટે સકારાત્મક હોય કે નકારાત્મક વાત હોય તમામ વાતનો કોંગ્રેસ વિરોધ જ કરે છે. કોંગ્રેસના રાજમાં ગરીબી તો હટી નહી ઉલ્ટાના ગરીબો વઘી ગયા છે. કોંગ્રેસ પાસે એક માત્ર વિરોઘ કરવાનું કામ જ બચ્યું છે. એના સિવાય કોંગ્રેસ પાસે કશું બચ્યું ન હોવાથી ચૂંટણી પૂર્વે જ ભાજપની 230 બેઠકો બિનહરીફ થઇ છે. જે સ્પષ્ટ સંદેશ આપે છે કે, કોંગ્રેસ પાસે વિરોઘ કરવા સિવાય કશું બચ્યું નથી. સોમનાથ ભૂમિ પરથી અને સ્થાનિક ચૂંટણીમાં ભાજપને અપાતો એક વોટનો કરંટ દેશના વડાપ્રઘાન મોદીના હાથ મજબુત કરવા સમાન છે.
શહેર કોંગ્રેસના યુવા હોદ્દેદારો ભાજપમાં જોડાયા
આજની સભામાં શહેર કોંગ્રેસના 50થી વઘુ યુવા હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ તમામ કોંગીજનોને પ્રધાન મનસુખ માંડવીયાએ જાહેર મંચ પર ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાયેલાઓમાં યજ્ઞેશ સીરોદરિયા, ખંજન જોષી, રોહિત મોહનાણી, હર્ષ કોટેચા, દિનેશ સામનાની સહિત 50થી વઘુ કોંગી હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.