ઊનાઃ જન્માષ્ટમીના દિવસે ઉના ખાતે આયોજિત સભામાં વક્તા કાજલ હિન્દુસ્તાની દ્વારા ચોક્કસ સમાજ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું. જેને લઈને પાછલા બે દિવસથી ઉના શહેરના વાતાવરણમાં તંગદીલી જોવા મળી રહી છે. આજે લઘુમતી સમાજ દ્વારા ઉશ્કેરણી જનક ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની વિરુધ ઉના પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસ ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે
આ પણ વાંચોઃ Ahmedabad Crime : માલિની પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ કરશે
નોંધાઈ પોલીસ ફરિયાદઃ જન્માષ્ટમીના દિવસે ઉનામાં ધર્મ સભાનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાનીએ સભા સ્થળ પરથી ચોક્કસ સમાજને ધ્યાને રાખીને ઉશ્કેરણી જનક અને આકરુ નિવેદન આપ્યું હતું. જેને લઈને પાછલા બે દિવસથી ઉના શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે જિલ્લા પોલીસવડા શ્રીપાલ શેષ્મા ની સતત દેખરેખની છે.
પોલીસ બંદોબસ્તઃ સમગ્ર ઉના શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારથી જ જુનાગઢ રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા પણ ઉના ખાતે મુકામ કરીને પરિસ્થિતિ પૂર્વવત થાય તેમજ બંને સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીને વાતાવરણ સુલેહ ભર્યું થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ આજે ઉશ્કેરણી જનક ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ઉના પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે જેને આધારે પોલીસ તપાસ કરી રહી છે.
ફરિયાદ થઈઃ લઘુમતી સમાજ દ્વારા ઉના પોલીસ મથકમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા પોલીસ કાજલ હિન્દુસ્તાની ની ધરપકડ પણ કરી શકે છે. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 295 A 153 એ અને 505 મુજબ ગુનો નોંધાઈ શકે છે. જે પૈકી 153 A અંતર્ગત કોઈપણ વ્યક્તિ બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવું નિવેદન કે ભાષણ કરે તેવા કિસ્સામાં આ ધારાનો ઉપયોગ થાય છે તથા 295 A ઉશ્કેરીણી જનક ભાષણ આપવાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે. કસૂરવાર સાબિત થયા બાદ ત્રણ વર્ષની સજા પણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Rajkot News : જે એમ બિશ્નોઇ આપઘાત કેસમાં સીબીઆઈ વિરુદ્ધ પુરાવા આપશે
શું કહે છે પોલીસઃ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષ્મા એ માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે લઘુમતી સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. જેને લઈને પોલીસ હવે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરશે પાછલા બે દિવસ દરમિયાન જે પ્રકારે ઉના શહેરનું વાતાવરણ કલુષિત થયું છે. તેને ધ્યાને રાખીને પોલીસે અટકાવતી પગલા પણ લીધા છે. અત્યાર સુધીમાં 50 વ્યક્તિઓની અટકાયત ઉના પોલીસ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પણ બે કોમ ના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારા ની નાની મોટી ઘટના બની હતી.
સામાન્ય ઈજાઃ જેમાં બે લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી ત્યારબાદ આજના દિવસ સુધી પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે અને સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક પોલીસ પેટ્રોલિંગ શરૂ કરીને મામલો શાંત કરી દેવામાં આવ્યો છે હાલ પોલીસ તમામ પુરાવાઓ અને ટેકનિકલ સોર્સ દ્વારા પણ તપાસ કરી રહી છે જેમાં આગામી દિવસોમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ જિલ્લા પોલીસ વડા શ્રીપાલ શેષ્માંમા એ વ્યક્ત કરી છે.