- વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખૂલશે
- રાજ્ય સરકારની નવી ગાઇડ લાઇન મળતા સોમનાથ મંદીર દર્શન માટે ખૂલશે
- 11 જૂનથી સોમનાથના દ્વાર ભાવિકો માટે ખૂલશે
- સોશિયલ ડિસ્ટન્સ સહીત ગાઇડ લાઇનનું થશે પાલન
- સવારે 7:30 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા વાગ્યા સુધી દર્શન માટે ખૂલશે
ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા અનલોક પ્રક્રિયાને આગળ ધપાવતા અમુક છૂટછાટો આપવનો નિર્ણય આજે બુધવારે જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવા નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ તા.11 જૂનથી જગવિખ્યાત સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખોલવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો છે. સોમનાથ મંદીર સવારે 7:30 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે. મંદિરમાં સવાર, બપોર અને સાંજની ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવામાં નહી આવે. જ્યારે બાકીના સમયગાળામાં ભાવિકોએ ફરજિયાત ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ મેળવ્યા બાદ દર્શન કરી શકશે.
આ પણ વાંચો : કોરોના ઇફેક્ટ : અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિપ ઉદ્યોગ ધીમી ગતિએ...
સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહી
આ અંગે સોમનાથ ટ્રસ્ટના અધિકારી દિલીપ ચાવડા, વિજયસિંહ ચાવડાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તા.11 જૂનથી શ્રદ્ધાળુઓ માટે સોમનાથ મંદિરના દ્વાર ચોક્કસ સમય તેમજ ગાઈડલાઈન મુજબની દર્શન માટે ખુલશે. ગાઈડલાઈન મુજબ દર્શન માટે ભાવિકોએ માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે તથા સામાજીક અંતર જાળવવાનું રહેશે. મંદિરના પ્રવેશદ્વાર પાસે ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનિટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ કરવાનો રહેશે. પરિસરમાં સામાજીક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે તેમાં જ ભાવિકોએ ઉભા રહી લાઈનમાં મંદિરની અંદર જવાનું રહેશે અને અંદર પણ રેલીંગ કે કોઈપણ જગ્યાએ અડવું નહીં કે દંડવત પ્રણામ ન કરવા માત્ર દર્શન કરીને જ તુરંત જ બહારના ગેટથી સીધુ બહાર નીકળી જવાનું રહેશે.
આ પણ વાંચો : કોર કમિટિનો નિર્ણય : રાજ્યના ધાર્મિક સ્થળો 11 જૂનથી ખુલશે, જિમ ખુલ્લા અનેક પ્રતિબંધો હળવા કર્યા
દર્શન માટે ભાવિકોએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ ફરજિયાત
ભાવિકોએ દર્શન કરવા માટે પાસ સિસ્ટમ અમલી બનાવાઈ છે. જે મુજબ ભાવિકોએ ઓનલાઈન અથવા ઓફલાઈન પાસ લેવો ફરજિયાત છે. પાસ લેવા માટે ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી દર્શન માટેની સ્લોટની લીંક મૂકવામાં આવી છે. જે લીંક દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે. તા.11થી મંદિરમાં સવારે 7:30થી 11:30 અને બપોરે 12:30થી સાંજે 6:30 વાગ્યા સુધી જ ભાવિકો દર્શન કરી શકશે. મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે ત્રણ ટાઈમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. દર્શન માટેનો સમય મર્યાદિત હોવાથી બહારગામથી આવતા શ્રદ્ધાળુઓને વિનંતી કે તેઓ અગાઉથી ઓનલાઈન દર્શનનું બુકિંગ કરાવીને જ સોમનાથ દર્શન માટે આવે. જેથી તેઓને પણ દર્શનમાં બીનજરૂરી વધુ પડતો સમય ઉભા ન રહેવું પડે તેવું અંતમાં જણાવ્યું છે.