- પાટણ પાલિકામાં ઉમેદવારોની પસંદગી મામલે બંન્ને પક્ષોમાં ભારે ખેંચતાણ
- સ્થાનિક આગેવાનોની ખેંચતાણ વચ્ચે ભાજપનાં 44 પૈકી 31 ઉમેદવારો મોડીરાત્રે જાહેર
- કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદીમાં ફેરફાર કરાવવાની હિલચાલ થતા ભડકો
ગીર સોમનાથ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારોનાં નામો જાહેર કરવા માટે પડાપડી થઈ રહી છે. ટિકિટોની ફાળવણીમાં પણ ક્યાંક ખુશી, તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ વચ્ચે પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે મહા મહેનતે અડધી રાત્રે ઉમેદવારોની અધૂરી યાદી જાહેર કરી હતી. જ્યારે શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખે પાર્ટી દ્વારા વિશ્વાસઘાત કરાયો હોવાનાં આક્ષેપ સાથે રાજીનામુ ધરી દીધું છે.
કોંગ્રેસનો ગઢ ગણાતા 2 વોર્ડમાં ઉમેદવારો ન જાહેર કર્યા
વેરાવળ પાટણ નગરપાલિકાની 44 બેઠકોમાં ઉમેદવારોની પસંદગી મુદે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મડાગાંઠની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સતાધારી ભાજપની વાત કરીએ તો ગુરુવારે આખો દિવસ સ્થાનિક ભાજપના આગેવાનોએ મંથન કર્યુ હતુ. જેમાં આંતરિક ખેંચાતણના લીઘે સહમતિ સર્જાતી ન હતી. જો કે, સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર સાથે શહેર સંગઠનનાં હોદેદારોએ સામાજીક ગણીત બેસાડીને ઉમેદવારો પસંદ કરવા બેઠકો યોજી રહ્યા હતા. અંતે મોડીરાત્રે 3 વાગ્યાની આસપાસ પાલિકાનાં 8 વોર્ડની 31 બેઠકો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 4 વોર્ડનાં કુલ 13 ઉમેદવારોની જાહેરાત બાકી રાખવામાં આવી હતી. બાકી રખાયેલા વોર્ડમાં કોંગ્રેસનો ગઢ ગણાતા લઘુમતિ વિસ્તારવાળો વોર્ડ નં.5 અને 6નો પણ સમાવેશ થાય છે.