વસ્તી વિસ્ફોટ અને શહેરીકરણના કારણે વાહનોની સંખ્યા વધી રહી છે. ગીરના ખોળામાં વસેલા તાલાલાથી સાસણ જતા માર્ગ પર લારી ગલ્લા, તેમજ ગેરકાયદેસર બનાવેલા બાંધકામોના કારણે સ્થાનિક રહેવાસીઓ અને દેશવિદેશથી સોમનાથ અને સાસણ આવતા ટુરિસ્ટોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. આ રોડ પર જાહેર રસ્તા પર હદ બહારના દબાણો દૂર કરવા રેવન્યુ, માર્ગ-મકાન વિભાગ અને પોલીસની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઇ હતી.
ગીર સોમનાથના કલેકટર અજય પ્રકાશના પરામર્શ હેઠળ પ્રાંત અધિકારી નિતીન સાંગવાન દ્વારા છેલ્લા ઘણા સમયથી માર્ગો પરની પેશકદમી દૂર કરવા વેરાવળ પ્રાંત કાર્યક્ષેત્રમાં લોકોને જાહેર નોટિસ આપીને કામગીરી ચાલી રહી છે. પેશકદમી હટાવો ઝુંબેશ અને લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા જાહેર હિતમાં ચાલી રહેલી કામગીરીમાં લોકોનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના ભાગરૂપે તાલાલાના વિવિધ દુકાનોના હદ નિશાન બહારના ઓટલા અને છાપરા દૂર કરવામાં આવ્યા હતા. વર્ષોથી અડીખમ ઉભેલા દબાણો કોઈપણ રાજકીય દબાણમાં આવ્યા વગર દૂર થતા જોઈને પ્રજામાં કાયદો અને વ્યવસ્થા તરફ સન્માન વધ્યું હતું.