સોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથ ખાતે ચાલી રહ્યો છે ત્યારે સોમનાથને આંગણે સ્વરોજગારીને પ્રોત્સાહનનો હેતુ સિદ્ધ થાય તેવા પ્રયાસો જોવા મળી રહ્યાં છે. બંને રાજ્યોના લોકો તમિલનાડુ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના કાપડ ઉદ્યોગ સાથે માહિતગાર થાય તે માટે ગુજરાતના વિખ્યાત પટોળાનું વણાટ કામ કાર્યક્રમ સ્થળ પર ચાલી રહ્યું છે. પટોળા સંપૂર્ણપણે હાથસાળ પણ બનાવવામાં આવે છે. જેના કારણે તેની ગુણવત્તા અને કિંમતમાં પણ ભારોભાર ઊંચાઈ જોવા મળે છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમે સ્વરોજગારીને પ્લેટફોર્મ આપ્યું સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં બંને રાજ્યોની હસ્તકલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના પટોળા આજે પણ ફેશનની સાથે એક અલગ માન અને માભાદાર પહેરવેશ તરીકે ઓળખાય છે. અહીં લગાવવામાં આવેલા સ્ટોલમાં ગુજરાતના વિખ્યાત પટોળા દેશી હાથસાળ પર બનતા જોવા મળે છે. તમિલનાડુના વસ્ત્રો પણ સમગ્ર વિશ્વમાં ખૂબ જ મોભાદાર વસ્ત્રો તરીકે ઓળખાઈ રહ્યા છે. ત્યારે હવે બંને રાજ્યોની સંસ્કૃતિ એક સાથે મળી રહી છે. ત્યાં બંને રાજ્યોની હસ્તકલા અને હાથસાળ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદર્શન સ્થળ પર વિખ્યાત પટોળા બનતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો ડિસ્કવર ઈન્ડિયા: વિશ્વની આગવી ઓળખ પાટણના પટોળા
શુદ્ધ રેશમમાંથી બને છે પટોળા પટોળાની બનાવટ શુદ્ધ રેશમમાંથી કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછા લોકો હાથસાળ પર આ પ્રકારે પટોળા બનાવી રહ્યા છે. મશીનથી બનાવવાનો પ્રયાસ થયો નથી. કેટલાક પ્રયાસોમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે. જેથી ખૂબ જ મોભાદાર કહી શકાય તે પટોળું આજે પણ એકદમ દેશી હાથસાળથી બનાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો જાણો કચ્છની અનોખી ઉન વણાટની કલા વિશે..
મોંઘા પટોળા ખરીદનાર વર્ગ જૂજ પટોળા બનાવવા માટે હાથેથી દોરામાં ડિઝાઇન થાય છે અને તેને હાથસાળ મારફતે કપડાના રૂપમાં રૂપાંતરિત કરાય છે. એક સાદું પટોળું બનાવવા માટે 10 થી 15 દિવસનો સમય ચારથી પાંચ વ્યક્તિઓને લાગે છે. ડબલ ડિઝાઇનનું પટોળું બનતા એકાદ મહિના જેટલો સમય લાગે છે. સામાન્ય પટોળા સાડીની કિંમત 10 થી 12 હજાર રૂપિયાની આસપાસ જોવા મળે છે. તો ડબલ ડિઝાઇનનું પટોળું તેની ગુણવત્તાને આધારે એક લાખ રૂપિયાથી શરૂ થઈને પાંચ લાખ રૂપિયા સુધીની કિંમતે બજારમાં વેચાતું મળે છે. પરંતુ આટલા મોંઘા પટોળા ખરીદનાર વર્ગ આજે ખૂબ જ જૂજ જોવા મળે છે. પરંતુ ત્રીજી પેઢીથી ચાલતા આવતા વણાટ સાથે જોડાયેલા વ્યવસાય કુશળ કારીગરો જીવંત રાખીને સ્વરોજગારી મેળવી રહ્યા છે.