- ગીર-સોમનાથમાં વધ્યું કોરોના સંક્રમણ
- જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે બંધ
- અનિશ્ચિત સમય માટે મંદિર બંધ કરાયું
ગીર-સોમનાથ: કોરોનાને કારણે સતત 80 દિવસ બંધ રહેલું સોમનાથ મંદિર કેસની સંખ્યામાં વધારો થતા ફરી એકવાર બંધ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો લાઇવ દર્શનનો લાભ વેબસાઇટ અને સોશીયલ મીડિયા પરથી મળી રહેશે.
દર્શનાર્થીઓ માટે મંદિર દ્વારા ઘરબેઠા દર્શનની વ્યવસ્થા
આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી રવિવારથી અન્ય નિર્ણય ન થાય ત્યાં સુઘી સોમનાથ મુખ્ય મંદિર સહિત ટ્રસ્ટના 6 મંદિરોમાં ભાવકો માટે દર્શન બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટએ લીધો છે. ટ્રસ્ટ હસ્તકના સોમનાથના મુખ્ય મંદિર ઉપરાંત રામ મંદિર, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર દેહોત્સર્ગ, ભાલકા મંદિર, ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે આવતીકાલથી બંધ રહેશે. સોમનાથના મંદિરોમાં પૂજારીઓ જઇ નિત્યક્રમ મુજબની પૂજા-આરતી કરશે. ભાવિકો ટ્રસ્ટની વેબસાઇટ અને સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પર ટ્રસ્ટના ઑફીશયલ પેઇજ પરથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે. ટ્રસ્ટ દ્રારા સોશીયલ મીડિયાના માધ્યમથી નિયમિત દર્શન કરાવવામાં આવશે.
ઉપરાંત પૂજાવિધિ ઓનલાઇન નોંધાવી અને ઘરબેઠા કરાવી શકશે.
પહેલા પણ બંધ હતું મંદિર
અત્રે નોંધનીય છે કે, ગયા વર્ષે કોરોનાના લીધે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે તા.20 માર્ચથી 8 જૂન સુધી એટલે કે 80 દિવસ સુઘી બંધ રહ્યું હતું. ત્યારબાદ સરકારની ગાઇડલાઇન્સ મુજબ મંદિર ખોલવામાં આવેલું હતું. ચાલુ વર્ષે 2021ની શરૂઆતથી ત્રણ માસમાં 14.50 લાખ ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. જેમાં જાન્યુઆરીમાં 4,37,000, ફેબ્રુઆરીમાં 4,77,000 અને માર્ચમાં 5,34,428 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા.