- સોમનાથ મંદિરનું 5 કરોડ રૂપિયાના ખર્ચે થશે સ્કેનિંગ
- સોમનાથ મંદિર રાજ્યનું પ્રથમ યાત્રાધામ કે, જેનું સ્કેનિંગ થશે
- મંદિરનો દરેક ખૂણો સ્ક્રિન પર નીહાળી શકશે
- સોમનાથ ટ્ર્સ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે કર્યો નિર્ણય
ગીર સોમનાથઃ સૌરાષ્ટ્રના આરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે. ત્યારે હવે સોમનાથ મહાદેવ મંદિરના દિગ્વિજય દ્વારથી લઈને આખા મંદિરનું બાંધકામ અને તેમાં કરવામાં આવેલી શિલ્પ કારીગરીનું હવે થ્રીડી સ્કેનિંગ કરવામાં આવશે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે 5 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ માટે નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો- સોમનાથ મંદિરમાં શિવભક્તો માટે મહત્વની સુવિધા શરૂ, સ્વહસ્તે શિવલિંગ પર જળાભિષેક કર્યો હોય તેવી થશે અનુભૂતિ
એક વર્ષમાં પ્રોજેક્ટ થશે પૂર્ણ
કૈલાસ મહામેરૂ પ્રસાદ સોમનાથ મહાદેવ મંદિરનું નામ છે. દેશના પ્રસિદ્ધ શિલ્પીના માર્ગદર્શન હેઠળ પ્રભાશંકર સોમપુરા નામના વ્યક્તિએ 1949થી 1951 ગાળામાં બંધાવ્યું છે. સોમનાથ મંદિરની કલાકૃતિ યાત્રિકો માટે અનેક વખત અભ્યાસનો વિષય બની રહી છે. તેની કલા કારીગરી બેનમૂન છે. આ તમામ કલાકૃતિ તથા આકૃતિને નવી થ્રીડી ટેક્નોલોજીથી સાચવવાનો પ્રયાસ છે. આ મંદિરના બાંધકામને આધુનિક મશીનથી થ્રીડી સ્કેન કરી તેનો ડેટા સાચવી રાખવામાં આવશે. આ સાથે દરેક ડૉક્યુમેન્ટ અને કલાના માપન સચવાશે. જો બીજી જગ્યાએ આવું જ મંદિર બનાવવું હોય તો એ ડિજિટલ ડેટાનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત તેમાં કેટલાક સુધારા વધારા પણ કરી શકાય.
આ પણ વાંચો- Somnath મંદિરે ટૂંક સમયમાં ભાવિકો સ્વહસ્તે જ કરી શકશે ધ્વજારોહણ
ગાંધીનગરથી તજજ્ઞ અધિકારીઓની ટીમ જશે સોમનાથ
મહત્વપૂર્ણ વાત એ છે કે, આ પ્રકારનો થ્રીડી પ્રોજેક્ટ ગુજરાતના યાત્રાધામોમાં સૌપ્રથમ છે. આ રીતનું સ્કેનિંગ થયા બાદ મંદિરનો ખૂણેખૂણો કમ્પ્યુટર સ્ક્રિન પર નીહાળી શકાશે. એટલું જ નહીં શિવલિંગના પણ ડિજિટલ દર્શન થશે. ભાવિ પેઢીઓ માટે તે બાંધકામનો અધિકૃત રેકર્ડ બની રહેશે. કુદરતી આફત વખતે કે બીજા કોઈ કારણોસર મંદિરના કોઈ ભાગને નુકસાન થાય તો આ ડેટા પરથી તેનો અભ્યાસ કરીને નવું રેખાંકન કરાશે. તેના આધારે આવું જ આબેહુબ બાંધકામ ફરીથી બનાવી શકાશે. ટૂંક સમયમાં ગાંધીનગરથી તજજ્ઞ અધિકારીઓની એક ટીમ સોમનાથ ખાતે આવશે.