સોમનાથ : પવિત્ર શ્રાવણ માસ શરૂ થયાને આજે બીજો દિવસ છે. ત્યારે સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. સોમનાથ મહાદેવ મંદિર અરબી સમુદ્રના કાંઠે બિરાજમાન થયું છે. જેને કારણે અહીં ધર્મની સાથે પર્યટનનો પણ એક અનોખો સુમેળ સર્જાઈ રહ્યો છે.
મહાદેવ મંદિર : સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા પ્રત્યેક દર્શનાર્થી ભાવ સાથે અહીં આવે છે. પરંતુ શિવજીના દર્શન બાદ તેઓ સીધા સોમનાથ ચોપાટી પર પહોંચી જાય છે. ત્યારે આ લોકો ધર્મ અને ભક્તિની અનુભૂતિની સાથે અરબી સમુદ્રમાં પર્યટનની મજા પણ માણતા જોવા મળે છે.
પર્યટકો માટે ખાસ આકર્ષણ : સોમનાથ ચોપાટી પર આવતા પ્રત્યેક પર્યટકો માટે ખાસ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. અહીં સ્થાનિક લોકો દ્વારા ઊંટ અને ઘોડાની રાઈડ પણ કરવામાં આવે છે. જેના પર બેસીને પણ નાના-મોટા સૌ પર્યટનની એક અનોખી મજાનો અનુભવ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં પણ સોમનાથ ચોપાટી પર પર્યટકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે શિવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ ચોપાટી એ આવીને ધર્મની સાથે પર્યટનની એક અનોખી મજા પણ માણી રહ્યા છે.
સોમનાથ મહાદેવ મંદિરનું ધર્મમાં ખૂબ જ મહત્વ છે. તો સોમનાથ ચોપાટી પર્યટકો માટે એક વિશેષ અનુભવ પણ આપી રહી છે. -- રાકેશ તિવારી (પર્યટક, ઈન્દોર)
પ્રવાસીઓનો અનુભવ : પવિત્ર શ્રાવણ માસમાં ખાસ મહાદેવના દર્શન કરવાની સાથે સોમનાથ ચોપાટી પર પર્યટનની મજા લેવા માટે આવેલા ઈન્દોરના રાકેશ તિવારીએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેેઓએ જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શન કરીને મન પ્રફુલ્લિત થઈ ગયું છે. તે જ રીતે સમુદ્રના ઉછળતા મોજા જોઈને સમગ્ર શરીરમાં એક નવો તરવરાટ ઉભો થયો છે.