- કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની કમીથી એક સાથે 7 દર્દીઓના મોત થયા
- ધારાસભ્યએ આ બાબતે આપ્યું નિવેદન
- કોંગી ધારાસભ્યએ આરોગ્ય પ્રધાનને તાકીદનો પત્ર લખી ઘ્યાન આપવા માંગણી કરી હતી
ગીર સોમનાથ: સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોગ્ય પ્રધાન નીતિન પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં હાલ કોરોનાના કેસની સંખ્યામાં સતત બમણો વધારો થઈ રહ્યો છે. એવા સમયે જિલ્લામથક વેરાવળમાં કાર્યરત સિવિલની કોવિડ હોસ્પિટલમાં અપુરતી સુવિધાઓના કારણે કોરોનાના દર્દીઓને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે દરમિયાન આજે રવિવારે વહેલી સવારે પુરતા પ્રમાણમાં ઓક્સિજન ન હોવાથી એક સાથે 7 દર્દીઓના મોત થયા છે.
100 બેડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં 70 દર્દીઓને જ એડમીટ કરી શકાય તેવી સ્થિતી
હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં 70 દર્દીઓને જ એડમીટ કરી શકાય તેવી સ્થિતી છે અને વેન્ટીલેટર પણ માત્ર 22 છે. જ્યારે રેમડેસીવીર ઈન્જેકશનની માત્રા ઓછા પ્રમાણમાં છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અપુરતી સુવિધા અંગે ઘ્યાન દોરીને જણાવ્યું કે, બેડની સંખ્યા 100થી વધારીને 200 કરવા, 22 વેન્ટીલેટરના સંખ્યા વધારી 50 કરવા, પુરતી ઓક્સિજનની સુવિધા રાખવા અને સીટી સ્કેન મશીનની સુવિધા પુરી પાડવા બાબતે તાજેતરના વિધાનસભાના સત્ર દરમિયાન રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : સિદ્ધપુર ખાતે 42 બેડની નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ
કોવિડ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ઘ્યાન આપી ખૂટતી સુવિધા પુરી પાડવાની માંગણી કરાઈ
તેમ છતાં સરકારે કોઇ ઘ્યાન આપ્યુ ન હોવાથી હાલ કોરોના મહામારીના કપરા સમયમાં જિલ્લાના દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. જેને ઘ્યાને લઇ જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ઘ્યાન આપી ખૂટતી સુવિધા પુરી પાડવાની માંગણી કરાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનું તાંડવઃ નવા 9,541 કેસ અને 97 દર્દીના મોત થયા
સરકાર કયારે જાગશે તેવો સવાલ દર્દીઓના પરિવારજનો ઉઠાવી રહ્યા છે
અત્રે નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં જિલ્લાકક્ષાની એકમાત્ર સરકારી વેરાવળ કોવિડ હોસ્પિટલમાં પ્રથમથી જ પુરતી સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ઓક્સિજનની ઘટ ના પગલે હોસ્પિટલમાં રાત- દિવસ દર્દીઓ માટે મહેનત કરતા તબીબી સ્ટાફ માટે પણ મુશ્કેલીનો સમય સર્જાયો છે. શનિવારે ધારાસભ્યની હોસ્પિટલ મુલાકાત સમયે જ અધિક્ષક ડૉ. પરમારે 16 દિવસમાં 39 મૃત્યુનો આંકડો જણાવી ઓક્સિજનની ઘટ અંગે માહિતી આપી હતી. દરમિયાન આજે રવિવારે વહેલી સવારે 7થી વઘુ દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામતા અરેરાટી વ્યાપી છે. આ બાબતે હવે સરકાર કયારે જાગશે તેવો સવાલ દર્દીઓના પરિવારજનો ઉઠાવી રહ્યા છે.