- માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
- તૌકતે વાવાઝોડાની સંભવિત અસરના પગલે માછીમારોને એલર્ટ
- હજુ પણ ગીર સોમનાથ જિલ્લાની 1,072 ફિશિંગ બોટ દરિયામાં
- ફિશરીઝ વિભાગ દ્વારા બંદર પર માછીમાર આગેવાનો સાથે સંકલન કરી કામગીરી હાથ ધરવામાં આવી
ગીર સોમનાથઃ રાજ્યમાં આવી રહેલાં તૌકતે વાવાઝોડાને લઇને વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે, ત્યારે જાલેશ્વર, વેરાવળ, હિરાકોટ, સુત્રાપાડા, ધામલેજ, મુલદ્વારકા, માઢવાડ અને કોટડા બંદરની ફિશિંગ બોટો હજુ પણ દરિયામાં છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા અમે સજ્જ છીએ: વલસાડ જિલ્લા કલેક્ટર
ફિશરીઝ વિભાગ દ્વારા તમામ બોટોને નજીકના બંદર પર લંગારી દેવા સૂચના
અરબી સમુદ્રમાં સંભવિત આકાર પામી રહેલા “તૌકતે” વાવાઝોડા અંગે સોમનાથ વિસ્તારમાં તંત્ર એલર્ટ બની કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સાબદું બન્યું છે. અરબી સમૂદ્રમાં સર્જાય રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઇ વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ નંબર ૧ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
માછીમાર આગોવાનો સાથે સંકલન કરી કામગીરી
તૌકતે વાવાઝોડાની સંભવિત અસરના પગલે માછીમારોને એલર્ટ કરવા છતાં પણ હજુ ગીર સોમનાથ જિલ્લાની 1,072 જેટલી ફિશિંગ બોટ દરીયામાં છે. જેથી તમામ બોટ સુધી પરત આવવાનો મેસેજ કન્વે કરવામાં આવ્યો છે અને ફિશરીઝ વિભાગ દ્વારા બંદર પર માછીમાર આગેવાનો સાથે સંકલન કરી કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વાવાઝોડાની અસરથી પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો
તંત્ર પહોંચી વળવા માટે સજ્જ
મામલતદાર ચાંદેગરા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાઓ અને સૂચિત આશ્રય સ્થાનોના રોડમેપ તૈયાર કર્યા હોવાથી અને જિલ્લા ડિઝાસ્ટરે કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ કચેરીઓને વાવાઝોડું આવે તો શું કરવું તેમજ સરકારની પ્રોટોકોલ મુજબની સૂચનાઓ પહોંચાડી દીધી છે.
કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો
આ અંગે ફિશરીઝ અધિકારી એસ.એન.સુયાણીએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં 8,941 બોટો છે. જેમાંથી સિઝન નબળી હોવાથી મોટા ભાગની બોટો તો કિનારે જ છે, પરંતુ હજુ હોડીઓ તથા બોટો દરિયામાં છે. જેને તાત્કાલિક કિનારે પરત આવી જવા સંદેશાઓ અને અગ્રણીઓને જાણ કરવા કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે જિલ્લામાં કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાઇ રહ્યો છે.