સોમનાથ: શ્રાવણ મહિનો જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવના શણગારને પણ વૈવિધ્ય અર્પણ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મહાદેવને આંકડાના પુષ્પનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ સોમનાથ મહાદેવને નવા શણગારથી શોભાયમાન કરાઈ રહ્યા છે જેના દર્શન કરીને શિવભક્તો પણ ખૂબ જ ધન્યતા પ્રાપ્ત કરે છે.
અર્ક પુષ્પોનો શણગાર: શિવને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જેમ જેમ શ્રાવણ માસના દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ શિવ ભક્તોની આસ્થા અને શિવના શણગારને લઈને પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર અર્ક પુષ્પ એટલે કે આંકડાના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન કરીને સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તો ભારે ધન્યતા અનુભવી રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો જમાવડો સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળતો હતો. વિશેષ પ્રકારે અર્ક પુષ્પના શણગાર સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવાની ધન્ય ઘડી પ્રાપ્ત થઈ હતી.
અર્કના પુષ્પનું મહત્વ શિવ પુરાણમાં: શિવપુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ મહાદેવની ઉપાસનામાં અર્ક પુષ્પને શ્રેષ્ઠ તત્વ માનવામાં આવ્યું છે અને તેનું સવિસ્તાર વર્ણન પણ શિવ પુરાણમાં જોવા મળે છે. વધુમાં શિવને પ્રિય એવા શ્રાવણ મહિનામાં આંકડાના ફૂલથી મહાદેવની પૂજા કરવાથી પૂજામાં બેઠેલા પ્રત્યેક ભક્તની માનસિક સ્થિતિ સંયમિત બને છે અને તે મહાદેવ સમીપે અનુભૂતિનો અનોખો અનુભવ પણ મેળવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
અર્કના પુષ્પથી પૂજાનું મહત્વ: પ્રાચીન સમયથી મહાદેવને અર્કના પુષ્પની પૂજા અને શણગાર કરવાનું મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ શિવપુરાણમાં થયેલા ધાર્મિક ઉલ્લેખ અનુસાર અર્ક પુષ્પ એટલે કે આંકડાના ફૂલથી મહાદેવની ઉપાસના અને પુજાને સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. અર્કના પુષ્પથી દેવાધિદેવ મહાદેવની પૂજા કરવાથી કોઈ પણ શિવભક્તની ધાર્મિક ભાવનામાં ઉત્તરોત્તર વધારો થાય છે. જેના કારણે તેના કર્મ ફળમાં પણ ખૂબ જ નોંધપાત્ર અને હકારાત્મક પરિણામો જોવા મળે છે. વધુમાં મહાદેવની અર્ક પુષ્પથી પૂજા કરનાર પ્રત્યેક શિવભક્તનુ આરોગ્ય જળવાઈ રહે છે તેમજ પ્રત્યેક શિવભક્ત મહાદેવની અર્ક પૂજાથી સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે.