સાસણઃ આજે 'સિંહ દર્શન' માટે સાસણ સફારી પાર્ક ફરીથી શરૂ થયો છે. વહેલી સવારે 6.30 કલાકે સફારી પાર્ક પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે પહેલા દિવસે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ 'સિંહ દર્શન' માટે ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓમાં 'સિંહ દર્શન'નો ખૂબજ વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાયોઃ સાસણ સફારી પાર્ક આજે ચોમાસા બાદ ફરીથી શરૂ થયો છે. પહેલા દિવસે જ ગુજરાત, ગુજરાત સિવાયના રાજ્યો તેમજ વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ચાર મહિના પછી સાસણ ગીરનું જંગલ ફરી એક વખત પ્રવાસન ગતિવિધિથી જીવંત બની ગયું હતું.
ઘણા સમયથી અમે સાસણ ગીર આવવા માટે ઉત્સુક હતા. આજે પ્રથમ દિવસે પ્રથમ ટ્રીપમાં બચ્ચા સાથે સિંહણને જોઈને અમને ખૂબ જ રોમાંચ થયો છે...કૃતિકા(પ્રવાસી, કોલકાતા)
અમે આજે પ્રથમ દિવસે પહેલી ટ્રિપમાં સાસણગીર સફારીની મુલાકાત કરી હતી. અમારા દેશના જંગલોમાં ગીરમાં જોવા મળતા વન્ય પ્રાણીઓ અને વન્ય સંપદા જોવા મળતી નથી. ગીરના જંગલમાં પશુ પક્ષીની સાથે સિંહ જેવા પ્રાણીની એક આખી વસાહત છે તે ખરેખર સૌ કોઈએ અનુભવવા લાયક છે...પ્રવાસી(નેધરલેન્ડ)
પ્રવાસીઓના અનુભવઃ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓમાંથી ઘણા પ્રવાસીઓને 'સિંહ દર્શન'નો લાભ મળ્યો હતો જ્યારે અનેક પ્રવાસીઓને આ લાભ મળ્યો નહતો. જો કે સાસણ ગીર જંગલનું કુદરતી સંપદા, આહલાદક વાતાવરણનો અનુભવ અવિસ્મરણિય રહ્યો હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. પ્રવાસીઓએ 'સિંહ દર્શન' સિવાય હરણ તેમજ અન્ય પ્રાણીઓને પોતાના કુદરતી વસવાટમાં કુદરતી રીતે જીવન જીવતા જોવાનો અદભુદ અનુભવ માણ્યો હતો.