- કોરોનાની સારવાર કરતા તબીબોએ દર્દીની વિગત સાથેનું ફોર્મ સિવિલમાં જમા કરાવ્યા બાદ ઇન્જેક્શન અપાશે
- સરકારી ભાવે હોસ્પિટલમાં ઇન્જેક્શનો આપવામાં આવશે
- જિલ્લામાં કોરોનાના દર્દીઓને ઇન્જેક્શન માટે દોડાદોડી ન કરવી પડે તેવી વ્યવસ્થા તંત્રએ કરી
- સવારે 9થી 1 અને સાંજે 4થી 6 દરમિયાન ઇન્જેકશનો મેળવી શકાશે
ગીર સોમનાથઃ જિલ્લામાં કોઇપણ નાગરીકે રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પરેશાન થવું નહીં પડે. કારણ કે, રાજય સરકારે વેરાવળમાં કાર્યરત જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પીટલને જરૂરીયાત મુજબનો રેમડેસીવીર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ફાળવ્યો છે. 15 એપ્રિલથી સિવિલની કોવિડ હોસ્પીટલમાંથી જ રેમડેસીવીર ઇન્જેકશનનું વિતરણ શરૂ થશે.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરનારા ચાર શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
નિયત ફોર્મ ભરી મેળવી શકાશે રેમડેસીવીર ઇન્જેક્શન
આ અંગે કોવિડ હોસ્પીટલના ડો.બાલુ રામે જણાવ્યું હતુ કે, રેમડેસીવીર ઇન્જેકશન માટે હવે દર્દીના સંબંઘીઓને દોડવુ નહીં પડે તેવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. જે મુજબ જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર આાપતા તબીબોને જ સિવિલમાંથી ઇન્જેક્શન આપવામાં આાવશે. જિલ્લામાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાનો દર્દી દાખલ હોય તો તે હોસ્પિટલના તબીબે દર્દીઓની વિગત સાથેનું નિયત ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે. જેના આધારે સિવિલમાંથી રેમડેસીવીર ઇન્જેકશન ઇસ્યુ કરાશે. જેથી રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવાના નામે થતી હેરાનગતિ બંધ થશે.
જરૂરી આધારપુરાવાઓ રજૂ કરવાના રહેશે
ખાનગી કોવિડ હોસ્પીટલના તબીબે પોતાના આઘિકારીક લેટર પેડ પર પોઝિટિવ દર્દીનું નામ સહિતની વિગતો ઉપરાંત દર્દીનો RTPCR, રેપીડ (એન્ટીજીન), સીટી સ્કેનનો રીપોર્ટ, દર્દીના આઘાર કાર્ડની નકલ, કોવિડ હોસ્પીટલમાં દાખલ દર્દીના કેસની વિગત (પ્રિસ્ક્રીપ્શન) સહી-સીક્કા સાથે (ઓરીજનલ) અને ઇડેન્ટનું ફોર્મ ભરીને સિવીલમાં આપવાનું રહેશે. જેના આઘારે દર્દીની જરૂરીયાત મુજબના ઇન્જેક્શન આાપવામાં આાવશે. આ ઇન્જેક્શન આપ્યા બાદ તેની ખાલી બોટલ સિવિલમાં બીજા ઇન્જેક્શનો લેવા આવે ત્યારે અગાઉ લીઘેલા પરત કરવાના રહેશે. જેથી કરીને કાળાબજારી ન થઇ શકે. સિવિલ કોવિડ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં રૂમ નં.28માં સવારે 9થી 1 અને સાંજે 4થી 6 દરમિયાન ઇન્જેકશનો મેળવી શકાશે.
આ પણ વાંચોઃ પાટણમાં રેમડેસીવીર ઈન્જેકશન માટે વહીવટી તંત્રની અનોખી પહેલ
ઇન્જેક્શનનો વધુ ભાવ વસૂલતા લોકો સામે કાર્યવાહી થશે
ખાનગી કોવિડ હોસ્પિટલના તબીબોને પણ રેમડેસીવીર ઇન્જેક્શનો સરકારી ભાવે (કેડીલા હેલ્થકેરનું 668.42 તથા હેટેરો હેલ્થકેરનું 1848 રૂપિયા પ્રતિ એક લેખે) હાજર સ્ટોકમાં જે હશે તે મળશે અને તે જ ભાવે તબીબોએ દર્દીઓને આપવાનું રહેશે. તેમાં વધારાનો નફો કે વધુ પડતો ભાવ લઇ શકશે નહી. આવું થશે તો આવા તબીબ સામે કાર્યવાહી પણ થઇ શકે છે.