ગુજરાત: બે દિવસ પહેલા સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા વિવિધ મંદિરો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તા.15 ગુરુવારના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું હતું. આકસ્મિક પરિસ્થિતિ અને વાવાઝોડાથી નુકશાનની શક્યતાના પગલે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પાવાગઢ મંદિર, દ્વારકાધીશ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર સહિતના મંદિર પરિસર બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે સ્થિતિ સામાન્ય બનતા હવે આ મંદિર ભક્તો માટે ફરી શરુ કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિર: બિપરજોય વાવાઝોડાના પગલે 24 કલાક માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિરના કપાટ ખુલ્તા જ ભક્તોના અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌપ્રથમ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ઉપરાંત મંદિર પર 52 ગજની ધ્વજાજી ચડાવવામાં આવી હતી. હર્ષ સંઘવીએ આ ધજા માથે લઇને પ્રદક્ષિણા કરી હતી.
પાવાગઢ મંદિર: પાવાગઢ મંદિર પણ વાવાઝોડાના પગલે બંધ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા બે દિવસથી મંદિરમાં ભક્તો માટે દર્શન અને રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. પરંતુ રોપ-વે સેવા હજુ પણ બંધ છે. રોપ-વે સેવા ફરી ક્યારથી કાર્યરત થશે તે અંગે હજુ નિર્ણય બાકી છે.
સોમનાથ મહાદેવ મંદિર: બિપરજોય વાવાઝોડાનો સૌથી વધુ ખતરો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને હતો. સામાન્ય દિવસોમાં પણ સોમનાથના દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે. ત્યારે વાવાઝોડાના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સોમનાથ મહાદેવ મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે આજથી ફરી મંદિર શિવભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
પૂજા-અર્ચના અવિરત: ઉલ્લેખનિય છે કે, મંદિરો 24 કલાક માટે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ મંદિરમાં સનાતન ધર્મની પરંપરા અનુસાર દરેક પૂજા-અર્ચનાનો નિત્યક્રમ અવિરત રહ્યો હતો.મંદિરમાં ધાર્મિક વિધિ સાથે ચાર પ્રહરની પૂજા સાથે આરતી, અભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તોએ ઓનલાઈન ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લ્હાવો લીધો હતો.
મહાદેવની મૂર્તિ ખંડિત: હાલમાં જોકે, મંદિરોમાં ભક્તોની હાજરી નહિવત છે. પરંતુ વીકએન્ડમાં વાતાવરણ સારું રહેતા ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે માધવપુરની શિવલિંગ, ઓસમ પર્વતાના પટાંગણમાં મહાદેવની મૂર્તિ ખંડિત થઈ હતી.