ગીર સોમનાથ: જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે શુક્રવારના રોજ જૂનાગઢ રેન્જ IG મનીંદર સિંહ પવાર દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી.
દર વર્ષ વેરાવળ ખાતે રેન્જ IGનો લોક દરબાર યોજાય છે
કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, લોકો ભયમુકત રહી શકે તેમજ લોકોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે ગીર સોમનાથ જિલ્લાના વડામથક ખાતે દર વર્ષે રેન્જ IG લોક દરબાર યોજે છે. જેમ આ વર્ષે પણ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે રેન્જ IG મનીંદર સિહ પવારનો લોક દરબાર યોજાયો હતો.
પોલીસ ચોકીમાં વધારો કરવાની માગ
જેમાં ગીર સોમનાથ જિલ્લામાંથી રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. જેમા મુખ્યત્વે કોરોનાની મહામારી વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરીને સૌ કોઇએ બિરદાવી હતી. તેમજ વેરાવળ, ગીર ગઢડા, તાલાલા, સુત્રાપાડા તાલુકામાં પોલીસ ચોકીઓ વધારવાની રજૂઆત કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસનું વલણ નરમ કરવા અપીલ કરાઇ
અનેક વિસ્તારોમાં CCTV કેમેરા કાર્યરત કરવા માટે પણ માગ કરવામાં આવી હતી. જેથી અસામાજિક પ્રવૃતિઓને રોકી શકાય. નગરપાલિકા વિસ્તારમાં ખાલી પ્લોટોમાં બાઉન્ડ્રી મારવાની માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વેપારી વર્ગ, સામાન્ય લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસુલ કરવામાં આવે છે, જેમાં નરમ વલણ દાખવામાં આવે તેવી વિનંતી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ રજૂઆતો પર પૂરતું ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની બાંહેધરી આપી
વેરાવળના બંદર વિસ્તારમાં પરપ્રાંતીય બોટોને પ્રતિબંધ સહિત વેરાવળના મોટાભાગના બિલ્ડિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે, ખનન પ્રવૃતીઓ અટકાવા માટે, જમીન પર અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર કબ્જાઓ અટકાવવા માટેની રજૂઆતો કરવામા આવી હતી. રેન્જ IG મનીંદર સિંહ પવાર, SP રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ આ રજૂઆત પર પૂરતું ધ્યાન આપી તાત્કાલિકધોરણે ઉકેલ લાવવા માટેની બાંહેધરી આપી હતી.