ગીરસોમનાથ: જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામેથી દેવદાસ નકુમ નામના વ્યક્તિ એ 12 તારીખની રાત્રે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેમની 2 પુત્રી અને 1 પુત્ર ગુમ છે. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી અને તેમની શંકા ગામમાં ઘઉંનું કટર મશીન ચલાવવા આવતા હરિયાણાના કરનાલના રહેવાસી દિલેરસિંઘ ઉપર ગઇ. ત્યારે જીલ્લો મૂકીને ગયેલા આ કટર મશીન ચાલકની તપાસ કરતા આણંદથી ત્રણે બાળકો સહિત મશીન સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.
એક તરફ લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ દિવસ રાત એક કરી રહી છે ત્યારે એજ સમયે તેઓ ગુનેગારોને ઝડપી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા પણ કાર્યરત છે. ગીરસોમનાથમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગીરસોમનાથના રાખેજ ગામના રહેવાસી દેવદાસ નકુમના ત્રણ સંતાનોને ગામમાં કટર મશીન ચલાવવા આવતો હરિયાણાનો દિલેર સિંઘ ફોસલાવી અને પોતાના સાથે લઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ તેણે મોટી દેવદાસ ભાઈની મોટી દીકરીને લગ્નની લાલચ આપી અને તેને ભગાવી જવાનો ઈરાદો હતો. તો તેણે બીજી બાળકી ને સારું ભણતર આપવાની અને સગીર પુત્ર ને આર્મીમાં ભરતી કરાવવાની લાલચ આપી હતી. ત્યારે ત્રણે બાળકો તેની સાથે કટર મશીનમાં બેસીને રાજ્ય બહાર જઇ રહ્યા હતા.
સરકાર દ્વારા એગ્રીકલ્ચર વાહનોને લોકડાઉનમાં કાર્યરત રહેવાની છૂટ આપેલી હોય તેનો ફાયદો ઉઠાવી તે રાજ્ય બહાર જઇ રહ્યો હતો. ત્યારે આણંદની સોજીત્રા નગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને બાળકો અને આરોપીઓને ગીરસોમનાથ પોલીસને હવાલે કર્યા હતા.
ત્યારે દિલેર વિરુદ્ધ આઇ.પી.સી કલમ 363 અને 366 હેઠળ ગુનો નોંધી સાથેના તેના 2 સાથીનો આ બનાવમાં શુ રોલ છે તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.