- વેરાવળમાં જુગારના દરોડામાં પોલીસને જોઈ થઇ નાસભાગ
- યુવાને મકાન પરથી કૂદકો મારતા નીચે પડતા પગમાં ઈજા થઇ
- બનાવ બનતા મહિલાઓ અને યુવાનો વિફર્યા હતા અને ટોળા એકઠા થયા
ગીર-સોમનાથ : વેરાવળમાં કોળીવાડા વિસ્તારમાં રવિવારે સાંજે પોલીસને જુગાર રમાતો હોવાની બાતમી મળતા તેની આધારે રેડ કરવા ગઈ હતી. જેમાં રેડના સ્થળે પહોંચતા પોલીસને જોઈ નાસભાગ થઈ ગઈ હતી. જેમાં એક યુવાનને નાસવા જતા પડી જતા પગમાં ફેક્ચર સહિતની ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા
પોલીસે ધક્કો મારતા યુવાનને ઇજા પહોંચી
આ બનાવ બનતા કોળી સમાજની મહિલાઓ અને યુવાનો વિફર્યા હતા અને ટોળા એકઠા થયા ટાવરચોક પહોંચ્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે, પોલીસે ધક્કો મારતા યુવાનને ઇજા પહોંચી છે. અમારો કોળીવાડો જ કેમ હાથમાં આવે છે. ગામમાં ઘણી જગ્યાએ દારૂ અને જુગાર રમાય છે. ત્યાં કેમ રેડ કરતા નથી તેવા જાહેરમાં આક્ષેપ કર્યા હતા.
PI પરમારે આગેવાનો સાથે બેઠક કરી
આ ટોળામાં મહિલાઓ પોલીસની ગાડી પર ચડી ગઈ હતી. પછીથી આગેવાનો વિરજી જેઠવા, શહેર ભાજપ પ્રમુખ દેવા ધારેચા, પૂર્વ નગરસેવક ભીમ વાયલુ, સમાજના પટેલ સહિતનાએ ટોળાને સમજાવટ કરી પરત ઘરે મોકલ્યા હતા. PI પરમારે આગેવાનો સાથે બેઠક કરી હતી. આ મામલો થાળે પડ્યો હતો તેમજ સમાધાન થયું હતું.
આ પણ વાંચો : ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5ને ઝડપી લીધા
મકાન પરથી કૂદકો મારવા જતા નીચે પડતા પગમાં ઇજા પહોંચી
સમગ્ર ઘટના સંદર્ભે વેરાવળ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી નોંધમાં વેરાવળના મોટા કોળીવાળાની પંડિત શેરીમાં પોલીસ કોરોના મહામારી સબબ પેટ્રોલિંગમાં પહોંચી હતી. ત્યારે રાજુ કરશન પંડિત સહિત બેથી ત્રણ માણસો પોલીસને જોઈ ભાગ્યા હતા. એક મકાન પર ચડી બીજા મકાન પર કૂદકો મારવા જતા નીચે પડેલા જેમાં રાજુ પંડિતને બન્ને પગમાં ઇજાઓ પહોંચી હતી.