- ખેડૂતોએ નવા ખેડૂત કાયદાના વિરોધમાં કોડીનાર બાયપાસ હાઈવે ચક્કાજામ કર્યો
- ખેડૂત આંદોલનની અસર ગીર સોમનાથ જિલ્લામાં પણ દેખાઈ
- પોલીસે 25થી વધુ ખેડૂતોની કરી અટકાયત
ગીર સોમનાથ : દિલ્હીમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂતોએ આજે સમગ્રદેશમાં ચક્કાજામનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી. જેના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ખેડૂતોએ ઝંડા લઈ બાયપાસ હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી 25થી વધુ ખેડૂતોની અટકાયત કરી અને હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.
દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનની અસર ગીર સોમનાથ જિલ્લામાં પણ સામે આવી
કેન્દ્ર સરકારના ફાર્મર્સ એન્ડ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) કાયદો, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ ઈસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ કાયદો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955માં સુધારાના ત્રણેય કાયદોના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂત સંગઠનો અઢી માસથી આંદોલન પર બેઠા છે. શનિવાર ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પરત ખેંચી લે તેવી માંગણી સાથે સમગ્ર દેશના હાઇવે પર ચકકાજામનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી. જેના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બપોરે બારેક કલાકે આસપાસ કોડીનાર કિસાન મોરચાના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો બાયપાસ હાઇવે પર ધસી આવી ચક્કાજામ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કિસાન મોરચા સંગઠનના અજીતસિંહ ડોડીયા સહિત 25 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી.