ગીર સોમનાથઃ શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થળ એવા ભાલકા તીર્થમાં જન્માષ્ટમી પર્વમાં હજારો લોકો દર્શન કરવા આવતા હોય છે, પરંતુ સાંપ્રત સમયમાં કોરોનાની મહામારીને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન નંદોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. જેમાં લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી ભાલકાતીર્થનો કાર્યક્રમ બતાવાશે.
આજે બુધવારે જન્માષ્ટમીનો પાવન પર્વ છે. જો કે, કોરોના મહામારીને કારણે રાજ્યના મોટાભાગના ધર્મસ્થાનો બંધ છે. ત્યારે સોમનાથથી અંદર ભાલકા તીર્થ તેમજ અન્ય કૃષ્ણ મંદિરો પણ બંધ છે. જેથી લોકો કૃષ્ણ સ્વરૂપે હરીને ભજવા માટે હર એટલે કે શિવ મંદિર સોમનાથમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે.
ભાલકા તીર્થના સ્થાનિકો લોકોને આવતા વર્ષે જન્માષ્ટમી ઉજવવા અને આ વર્ષ ઘરે બેસવા વિનંતી કરી રહ્યા છે. દેશ અને રાજ્યભરમાંથી લોકો સોમનાથ દર્શને આવી રહ્યાં છે. કારણ કે, રાજ્યના મોટા ભાગના ધાર્મિક સ્થળો બંધ છે. ત્યારે સોમનાથ મંદિર જન્માષ્ટમીના તહેવારોમાં દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે, જ્યા સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શન કરી રહ્યા છે. જન્માષ્ટમી પર લોકો શ્રી કૃષ્ણના બદલે દેવોના દેવ મહાદેવને દેશ અને દુનિયાને કોરોનાથી બચાવવા પ્રાર્થના કરી રહ્યા છે.