ગીર સોમનાથ: અરબી સમુદ્રમાં આકાર લઇ રહેલા ચક્રવાત અને બંગાળની ખાડીમાં હવાનું નીચું દબાણ આગામી 22 તારીખ સુધીમાં પ્રચંડ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે તે અંગેની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે અંતર્ગત વેરાવળ બંદર પર આજે સવારે એક નંબર અને ત્યારબાદ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
શક્યતાઓ આજના દિવસે વ્યક્ત: અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર લીધા બાદ તે ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ ઉત્તર તરફ ઓમાન ના દરિયામાં આગળ વધે તેવી શક્યતાઓ આજના દિવસે વ્યક્ત કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાએ જે રીતે દિશા બદલી હતી. તે રીતે જો વર્તમાન સંભવિત વાવાઝોડા દિશા બદલીને ગુજરાતના દરિયાઈ બંદરો પર ત્રાટકે તો નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. જેને ધ્યાને રાખીને વેરાવળ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ભયસૂચક સિગ્નલ લગાવવાની શરૂઆત: મોસમ વિભાગે જાહેર કર્યું બુલેટિન: મોસમ વિભાગે સંભવિત વાવાઝોડાને લઈને બુલેટિન જાહેર કર્યું છે જેમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની સાથે બંગાળની ખાડીમાં હવાનું નીચું દબાણ સર્જાયુ છે. જે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા બાદ આગામી 24 થી 48 કલાક સુધી પવનની ગતિમાં પણ ફેરફાર જોવા મળે છે. 50 થી લઈને 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેની સાથે જો ચક્રવાત ગુજરાતના દરિયાઈ વિસ્તાર પર આવે તો પવનની ગતિ 80 km પ્રતિ કલાક સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. જેને લઈને પણ હવામાન વિભાગે સાવચેતીના તમામ પગલાં રૂપે બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવવાની શરૂઆત કરી છે.
રવિવાર સુધીમાં વાવાઝોડાની શક્યતા: ભારતના મોસમ વિભાગ દ્વારા આગામી 22 તારીખ અને રવિવારના સાંજ સુધીમાં વાવાઝોડું સૌથી શક્તિશાળી બનીને સાઇક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ શકે છે. આજના દિવસે સંભવિત ચકરાવત ઓમાન તરફ જઈ રહ્યું છે. પરંતુ જે રીતે બીપોરજોય વાવાઝોડા દરમિયાન તે ઓમાન બાદ કરાચી અને ત્યાંથી દિશા બદલીને છેલ્લે કચ્છ પર ત્રાટક્યું હતું. વર્તમાન વાવાઝોડાની દિશા હાલ ઉત્તર પશ્ચિમ એટલે કે ઓમાન તરફ જોવા મળે છે. પરંતુ જો વાવાઝોડાની દિશા બદલે અને તે ઉત્તર પૂર્વ ની થાય તો ગુજરાત સહિત મહારાષ્ટ્ર દરિયાકાંઠા વિસ્તારમાં તેની સંભવિત અસર થઈ શકે છે. જેને કારણે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.