- જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે ભાજપના સભ્યો બિનહરીફ થશે
- તાલુકા પંચાયતમાં કોંગી સભ્યો સામે ભાજપના સભ્યોએ ઉમેદવારી નોંઘાવતા રાજકીય ગરમાવો
- કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી કોંગ્રેસના ઉમેદવારોનો વિજય નિશ્ચિત
ગીર સોમનાથ: જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે ભાજપના સભ્યો બિનહરીફ થશે. જયારે કોંગ્રેસની બહુમતી વાળી 2 તાલુકા પંચાયતો પૈકી 1માં કોંગ્રેસના બિનહરીફ જયારે બીજી તાલુકા પંચાયતમાં કોંગી સભ્યો સામે ભાજપના સભ્યોએ ઉમેદવારી નોંઘાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે, સુત્રાપાડા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી હોવાથી કોંગ્રેસના ઉમેદવારોનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.
જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પર ભાજપનો બહુમતી સાથે કબજો
ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત પર ભાજપનો બહુમતી સાથે કબજો છે. 2 તાલુકા પંચાયત પર કોંગ્રેસનો બહુમતી સાથે કબજો છે. જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થશે. આ ચૂંટણીમાં આજે ઉમેદવારી નોંધાવાનો દિવસ હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપના રામીબેન વાજા અને ઉપપ્રમુખ પદે નીતાબેન દિલીપભાઈ મોરીએ ઉમેદવારી નોંઘાવેલી જેની સામે અન્ય કોઇએ ઉમેદવારી નોંઘાવી ન હોવાથી બંને બિનહરીફ જાહેર થશે.
આ પણ વાંચો: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ
જિલ્લાની તાલુકા પંચાયતના સંભવિત બિનહરીફ પદાધિકારીઓ
વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના સરમણ સોલંકી અને ઉપપ્રમુખ પદે ઉષાબેન વાળા બિનહરીફ જાહેર થશે. ઉના તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના પાંચીબેન ચારણીયા અને ઉપપ્રમુખ પદે સવિતાબેન વાળા બિનહરીફ જાહેર થશે. ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના વિલાસબેન ગજેરા અને ઉપપ્રમુખ પદે પ્રભાબેન વૃજલાલ કીડેચા બિનહરીફ જાહેર થશે. કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ગીતાબેન ડોડીયા અને ઉપપ્રમુખ પદે રંભુબેન વાજા બિનહરીફ જાહેર થશે. તો બીજી તરફ તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના રામસીભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે શિલ્પાબેન કણસાગરા બિનહરીફ જાહેર થશે.
આ પણ વાંચો: રાજકોટમાં જિલ્લા પંચાયતની બેઠકમાં પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી
સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપ લઘુમતીમાં છતાં ઉમેદવારો ઉતાર્યા
જ્યારે જિલ્લામાં એકમાત્ર સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ બંને પક્ષે ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ પદે કુસુમબેન રામસીંગભાઇ જાદવ અને ઉપપ્રમુખ પદે લાભુબેન રામભાઈ બાંભણીયા જેની સામે ભાજપ તરફથી પ્રમુખ પદ માટે બચુભાઈ મેર અને ઉપપ્રમુખ પદ માટે રામભાઈ વાઢેરએ ઉમેદવારી નોંધાવી છે. જોકે, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી કોંગ્રેસના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે.