ગીર સોમનાથઃ વેરાવળ નજીક કાજલી માર્કેટીંગ યાર્ડમાં ટેકાની ખરીદીમાં મોટા ભાગના ખેડૂતોની તુવેરને સરકારી ગ્રેડરો દ્વારા રિજેકટ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ઓનલાઇન અરજીના આધારે ગત રોજ 40થી 50 ખેડૂતોને યાર્ડમાં સેમ્પલિંગ માટે બોલાવાયા હતાં, પરંતુ માત્ર 10 જેટલા ખેડૂતોની તુવેર પાસ કરવામાં આવી હતી, જ્યારે બાકીના 30 જેટલા ખેડૂતોની તુવેર રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
ખેડૂતોનો આક્ષેપ છે કે, ગ્રેડરો આડેધડ તુવેર રિજેકટ કરે છે અને ગ્રેડિંગ પૂર્વે જ સ્લિપોમાં ખેડૂતોની સહીઓ કરાવી બાદમાં તુવેર રિજેક્ટ કરી દેવાય છે. આ કારણે ખેડૂતોમાં રોષ સાથે નિરાશા પણ વ્યાપી ગઈ છે. તહેવારોના સમયમાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં તુવેર વેચવા બેઠા હોય પરિવારોના તહેવાર બગાડવાનો આરોપ સરકાર લગાવી રહ્યાં છે.