ગીર સોમનાથ: જિલ્લામાં ઉના સહિત ત્રણ તાલુકાના ધરતીપુત્રોને રૂપિયા 7 કરોડ 13 લાખના ખર્ચે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાના 2378 પત્ર તેમજ 1 કરોડ 5 લાખની સહાય સાથે કિસાન પરિવહન યોજનાના 176 મંજૂરી પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ધરતી પુત્રોને સંબોધતા રાજ્ય બીજ નિગમના અધ્યક્ષ રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે "સાત પગલા ખેડૂત કલ્યાણના' સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે અમલવારી કરી છે. કમોસમી વરસાદ, કરા, માવઠુ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને બેઠા કરવા તથા આર્થિક રીતે સદ્ધર કરવા માટે રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના ગુડ્ઝ કેરિયર વાહન ઉપર સહાય આપવાની આ સરકારે શરૂઆત કરી છે. ફળ, શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકી છે. રાજ્યમાં ખેડૂતોના હિતમાં ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડૂત દીઠ વાર્ષિક 6 હજારની સહાય આપવામાં આવે છે. તેમણે ગીર સોમનાથ જિલ્લાના કિસાનોને ટપક સિંચાઇ યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે નવિન પાક ઉત્પાદન, પાક સંગ્રહ, નાના-સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલાંઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ ‘‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના’’ તેમજ ‘‘કિસાન પરિવહન યોજના’’ના મંજૂરી પત્રો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને એનાયત કરવામાં આવ્યા હતા.