- ઉનાના MLAનો મુખ્યપ્રધાનને પત્ર પાઠવી કરી રજૂઆત
- વાવાઝોડામાં થયેલા નુકસાનમાં ખેડૂતોને 100 ટકા વળતરની માંગ
- રાહત પેકેજ નહિ અપાય તો વાવણીથી વંચિત રહેવાનો ભય
ગીર-સોમનાથ : તૌકતેે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં વિવિધ પાકોને ભારે નુકસાન પહોચ્યું છે. જેને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ ખેડૂતોની વ્હારે આવ્યા છે. તેઓએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખી ગીરસોમનાથ સહિત ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં બાગાયતી ઉપરાંત ઉનાળુ પાકને થયેલા નુકસાની બદલ ખેડૂતોને 100 ટકા વળતર આપવાની માંગ કરી છે. જો રાહત પેકેજ આપવામાં નહિ આવે તો ખેડૂતોનો વાવણીથી વંચિત રહેવાનો ભય છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડામાં બાજરીના પાકમાં નુકશાન, સરકાર પાસે મદદની આશ
કાચા-પાકા મકાનો તૂટી જતા તેનું પણ ત્વરિત સમારકામ કરવું જરૂરીતેમણે વધુમાં જણાવ્યુ છે કે, વાવાઝોડામાં ભારે પવનને લઈ નાળિયેરી અને આંબા જેવા વર્ષો સુધી ઉછેર કરીને મોટા કરેલા વૃક્ષો મૂળમાંથી ઉખડી જતા ખેડૂતોને એક નહીં પરંતુ 15-20 વર્ષની મહેનત પાણીમાં ચાલી ગઈ છે. આ ઉપરાંત તૈયાર થઈ ગયેલા ઉનાળુ પાક અડદ, તલ, બાજરી, જુવાર, મગ તેમજ શાકભાજીનો પણ ભારે પવન અને વરસાદને કારણે સંપૂર્ણ નાશ થયો છે. આ ઉપરાંત તેમના મતવિસ્તાર ઉના અને ગીર ગઢડામાં સંપૂર્ણ અંધારપટ છવાયો છે. રસ્તાઓ પર વૃક્ષો પડી જવાના કારણે અનેક ગામો સંપર્કવિહોણા બની ગયા છે. અને અનેક કાચા-પાકા મકાનો તૂટી જતા તેનું પણ ત્વરિત સમારકામ કરવું જરૂરી બન્યું છે.