- ગીર સોમનાથમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા સાંસદ રાજેશ ચુડાસમા એ કરી પહેલ
- ગીર સોમનાથ જિલ્લામાં ઓક્સિજન ની ભારે અછત
- 1 ટન ક્ષમતા વાળી 3 ટેન્કો ની કરી વ્યવસ્થા
ગીર સોમનાથ: ગીર સોમનાથ જીલ્લામાં ઓક્સિજનની ભારે અછત વર્તાઇ રહી છે. જેના કારણે કોરોનાના દર્દીઓને સારવારમાં મુશ્કેલી પડી રહી હોવાનું ધ્યાને આવતા સાંસદ રાજેશ ચુડાસમાએ સિવીલની જરૂરીયાતને પહોંચી વળવા નવી 200 ઓક્સિજનની બોટલો જયારે 1 ટનની ઓક્સિજનની ક્ષમતાવાળી 3 ટેન્કોની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થાથી સિવીલની જરૂરીયાતને પહોંચી વળવા ઓક્સિજનની અછતમાં આંશિક રાહત મળશે તેવું જાણકારો જણાવી રહ્યા છે.
ગીર સોમનાથમાં નથી ઓક્સિજન રીફીલીંગ સ્ટેશનો
ગીર સોમનાથ જીલ્લામાં ઓક્સિજન ઉત્પાદન કરતા એકમો અને રીફીલીંગ સ્ટેશનો ન હોવાથી પોરબંદર, રાજકોટ, શાપર, જામનગર, ભાવનગર અલંગ, શિહોર સુધી ઓક્સિજન ભરાવવા (માટે બોટલો મોકલવી પડે છે. આ પ્રક્રીયામાં 12 કલાકથી લઇને બે થી ત્રણ દિવસ જેવો સમય લાગતો હોવાથી જીલ્લામાં ઓક્સિજનના પુરવઠાની અને બોટલોની ભારે ખેંચ વર્તાય છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં આવતા સાંસદ રાજેશ ચુડાસમાએ તાત્કાલીક નવી 200 ઓક્સિજનની બોટલોની વ્યવસ્થા કરી શહેરને સમર્પિત કરી છે.
આ સાથે સાથે સિવીલમાં દરરોજ ઓક્સિજનની 700 જેટલી બોટલો વપરાઇ રહી હોવાથી ત્યાં ઘણીવાર રીફીલીંગમાં વાર લાગે ત્યારે ખેંચ સર્જાતી હતી. જેથી 1 ટનની ક્ષમતાવાળી બે ઓક્સિજન ટેંકોની જુનાગઢ સિવીલમાંથી વ્યવસ્થા કરી સિવીલને અપાવી કાર્યરત કરી છે.
જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થપાય તેવી શક્યતા
આ અંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જીલ્લામાં ઓક્સિજનની બોટલોની અછત હોવાથી અન્ય જગ્યાએથી આ માટે વ્યવસ્થા ન થતી હોવાથી નવી 200 બોટલો ખરીદ કરી લોકો અને હોસ્પીટલોની સેવામાં મુકી છે. જ્યારે સિવીલમાં બોટલો મર્યાદીત હોવાથી જૂનાગઢ કલેક્ટર ની મદદથી ત્યાંથી 1-1 ટન ક્ષમતાવાળી બે ટેન્કો મેળવી છે. એક ટેન્કમાં લીકવીડથી 120 બાટલા જેટલો 1 ટન ઓક્સિજન બનતો હોય છે. જે ઉપયોગમાં સીધો ટેન્કમાંથી જ લઇ શકાય છે. આ ટેન્ક ખાલી થાય ત્યારે તેમાં કેમીકલ રીફીલીંગ કરાવવું પડતુ હોય છે જેથી બે ટેન્કોની વ્યવસ્થા કરી છે.
જેથી એક ટેન્ક રીફલીંગમાં જાય ત્યારે બીજી ટેન્કમાંથી સિવીલને સતત ઓક્સિજન મળતો રહે અને ખેંચ ન ઉભી થાય. સિવીલને વધુ એક ટેન્ક સીફુડ એક્ષપોર્ટ એસો.ના સહયોગથી વ્યવસ્થા કરી આપી છે. જે એકાદ દિવસમાં કાર્યરત થઇ જશે. જીલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા બાબતે પણ ખાનગી કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહ્યો છું તેમ સાંસદ રાજેશ ચુડાસમા એ જણાવ્યું હતું.