- ગીર સોમનાથના મોરવડ ગામમાં સિંહના મુકામ
- ગામની શેરીમાં આંટાફેરા અને ગાયના મારણના પગલે ભયનો માહોલ
- સરપંચે વનવિભાગને જાણ કરી સિંહને ગામથી ખદેડવા રજૂઆત કરી
ગીરસોમનાથઃ આજે વહેલીસવારે ગામની સીમમાં સિંહે ગાયનું મારણ કરી આરામથી મિજબાની માણી રહ્યાંના દ્રશ્યો રાહદારી લોકોએ મોબાઇલ કેમેરામાં કેદ કર્યા છે. હાલ આજના મારણના અને સીસીટીવીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય જેને લોકો નિહાળીને સિંહદર્શનનો લ્હાવો લઇ રહ્યાં છે. ગામ આસપાસ સિંહના ધામાને લઇ સરપંચે વનવિભાગને રજૂઆત કરી છે.
ગામની બજારમાં સિંહના આંટાફેરા
ગીર જંગલના સિંહો અવારનવાર ખોરાકની શોઘમાં ફરતાં ફરતાં માનવ વસવાટવાળા ગામો અને વિસ્તારોમાં આવી ચડતાં જોવા મળે છે. દરમિયાન જિલ્લાના કોડીનાર તાલુકાના મોરવડ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહે ધામા નાંખ્યા હોય તેમ અવારનવાર આંટાફેરા મારતો જોવા મળી રહ્યો છે. ત્રણેક દિવસ પૂર્વે મોડીરાત્રીના સમયે સિંહ એકલો ગામમાં ચડી આવ્યો હતો. ગામની બજારમાં આંટાફેરા મારી રહ્યો હતો. જો કે, રાત્રીના સમય હોવાથી બજારો-શેરીઓ સૂમસામ હોવાથી સિંહ આરામથી આંટાફેરા મારી નૂકળી ગયો હતો.
સીસીટીવી કેમેરામાં કેદ સિંહની હરફર
સિંહ મોરવડ ગામની બજારમાં આવી ચડયાના દ્રશ્ય એેક મકાન અને એક દુકાનમાં લગાવાયેલ સીસીટીવીમાં કેદ થયા હતાં. જેમાં સિંહ ગામની બજાર અને શેરીમાં આરામથી આંટાફેરા મારી રહ્યાંનું નજરે પડતું હતું. આ વાતને લઇ ગ્રામજનોમાં અને સીમ વિસ્તારમાં ખેતરે જતાં ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી હતી.
આ પણ વાંચોઃ ગીર સોમનાથના વાડલા ગામે બે સિંહે ગામ વચ્ચે ગાયોનું મારણ કર્યું
આ પણ વાંચોઃ નાના ભાયાસાર ગામમાં સિંહે કર્યું મારણ, વીડિયો થયો વાયરલ