ગીર સોમનાથ: પંડિત દીન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વેરાવળમાં 460 બ્લોકની સુંદર સોસાયટી બનાવવામાં આવી હતી. જેનું 2017માં ધામધુમપૂર્વક લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતુ. ત્યારે 450 જેટલા ગરીબ પરીવારોમાં પણ ભારે ઊત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ આ આવાસનું લેવલ અને ગટર સેફ્ટીના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા જ આવાસ નિગમ ભુલી ગયું હતું.
અહી આવાસમાં ભારે ગંદકીથી લોકો પરેશાન થયાં છે. અહીની ગટર સેફ્ટીનું પાણી ચોમેર ભરાયેલું રહેતા મચ્છરોનો ત્રાસ પણ ભારે છે. અહી 27 બિલ્ડિંગમાં 450 પરીવારો રહે છે. પરંતુ ગટરનો નિકાલ હજી સુધી કરવામાં આવ્યો નથી. જેથી સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે.
આ આવાસમાં 450 પરીવારોના 1500 થી વધુ લોકો નર્કાગારની સ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે આવાસમાં રહેતા ગરીબ પરીવારો આ પાણી વચ્ચે રહેવા મજબુર છે.