ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. પ્રતિવર્ષ શ્રાવણ માસમાં લાખો લોકો સોમનાથ મહાદેવના દર્શન કરવા દેશના ખૂણે ખૂણેથી આવે છે. સોમનાથની અંદર શ્રાવણ કોઈ મહાઉત્સવ જેવો ભાસે છે અને તેમાં પણ શ્રાવણનો સોમવાર સોમનાથમાં સવારથી રાત સુધી સતત બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજતો હોય છે, પરંતુ લોકોએ ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે, શ્રાવણના સોમવારોમાં ગણ્યા-ગાંઠ્યા જ શ્રદ્ધાળુ સોમનાથ પરિસરમાં દેખાશે.
સોમનાથમાં ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન 18 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારે કોરોનાના આ ગોઝારા વર્ષમાં માત્ર તેના 10 ટકા એટલે કે, 1.8 લાખ જેટલા લોકો જ સોમનાથ મહાદેવના દર્શન કરી શક્યા છે. જેના કારણમાં સરકારની ગાઈડલાઇન્સ અને ક્યાંકને ક્યાંક લોકોના મનમાં સમાયેલો કોરોનાનો ભય છે. ઓછા લોકો દર્શનાર્થે આવવાથી સોમનાથ મંદિરમાં પણ નુકસાની થઇ છે.
સોમનાથ મંદિરને ગત શ્રાવણ માસમાં 6.48 કરોડની આવક થઈ હતી. જે આ શ્રાવણ માસમાં માત્ર 1થી સવા કરોડ જેટલી જ આવક થઇ છે, ત્યારે કોરોનાથી સેવાઓમાં ટ્રસ્ટને ગત 4 માસમાં 6 કરોડ જેટલી જાવક થઈ છે. સોમનાથનું લીલાવતી ભવન ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવાયું છે. જેની સુવિધાઓને તમામ ખર્ચ અને અન્ય સેવાઓનો ખર્ચ સોમનાથ ટ્રસ્ટ ઉઠાવી રહ્યું છે.
આ તમામ પરિસ્થિતિમાં સામે આવેલી એકમાત્ર સકારાત્મક બાબત એ છે કે, સોમનાથ મંદિરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 16 કરોડ જેટલા લોકો આ કપરા સમયગાળામાં જોડાયા હતા. જેમણે આ મહામારી જલ્દી કાબૂમાં આવે અને ફરીથી ભાવિકો સોમનાથ મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદને ગુંજાવી શકે તેવી મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી.