- પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાના ગીર સોમનાથ સાથેના સંભારણા
- સ્વર્ગીય પત્ની લીલાબેનના સ્મરણાર્થે કેશુભાઈ પટેલે ગેસ્ટહાઉસ બંધાવ્યું
- દુકાનદારો અને હોટેલ એસોસિએશને પણ બંધ પાળી આપી ભાવાંજલિ
વેરાવળઃ સક્રિય રાજકારણમાંથી સન્યાસ લીધા બાદ કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના આધારસ્તંભ બનીને સોમનાથના વિકાસમાં અગ્રેસર થયા હતા. સોમનાથ ટ્રસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજો હોવા છતાં હંમેશા માટે અધ્યક્ષ પદ કેશુભાઈએ શોભાવ્યું હતું. છેલ્લે બે માસ પહેલા મળેલી સોમનાથ ટ્રસ્ટની ડિજિટલ મિટિંગમાં કેશુભાઈ પટેલ ફરીથી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયાં હતા. સોમનાથના વિકાસમાં તેમનો સિંહફાળો જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અધ્યક્ષ તરીકે તેમનું નામ સૂચવ્યું હતું.
સોમનાથમાં જ્યારે સારા ગેસ્ટ હાઉસની અછત હતી ત્યારે પોતાના સ્વર્ગીય પત્ની લીલાબેનના સ્મરણાર્થે કેશુભાઈ પટેલ અનુદાન આપીને સોમનાથ તીર્થમાં ત્યારનું સૌથી અત્યાધુનિક ગેસ્ટ હાઉસ બંધાવ્યું હતું. જેને લીલાવતી ભવન નામ આપવામાં આવ્યું હતું. ત્યારે કેશુભાઈ પટેલ ન માત્ર એક અગ્રેસર ચેરમેન પરંતુ ઉદાહરણ પુરૂં પાડતા દાતા પણ બન્યા હતાં.
બાપાને અર્પી ભાવાંજલિ
હાલ કેશુભાઈ પટેલના નિધન બાદ સોમનાથમાં નાના દુકાનદારો અને હોટેલ એસોસિએશને પણ બંધ પાળીને તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી. એટલું ચોક્કસ કહી શકાય કે, કેશુભાઈ પટેલના નિધનની સાથે સોમનાથ ટ્રસ્ટના એક સુવર્ણમય અધ્યાયનો અંત થયો છે.