- ઉના નજીક ધોકડવા 220 કેવીના રિસ્ટોરેશનનું કામ પૂર્ણ કરાયું
- જેટકોના એન્જિનિયરોએ 7 દિવસની અંદર નવું માળખું ઉભું કર્યું
- તૌકતે વાવાઝોડાથી વીજલાઈનો, વીજપોલ અને સબસ્ટેશનને પહોંચ્યું હતું નુકસાન
ગીર સોમનાથઃ તાઉતે વાવાઝોડાને લીધે વીજ લાઈનો, વીજપોલ અને સબસ્ટેશનોને ભારે નુકસાન થયું છે. જિલ્લામાં વાવાઝોડાને લીધે ધરાશાયી થયેલા મોટા વીજ સબસ્ટેશનોના ટાવરોને ઉભા કરી જેટકો રાતદિવસની કામગીરી કરી રહી છે. ઉના નજીક 220 કેવી હેવી લાઈનનું સબસ્ટેશન વાવાઝોડામાં પડી ગયું હતું. આ કામ પડકારજનક હતું, જેટકોએ માત્ર 7 દિવસમાં આ કામગીરી પુર્ણ કરી છે.
ધોકડવાના સબ સ્ટેશનમાં 10 નવા ટાવર અને 11 E.R.S ટાવર ઉભા કરાયા
ઉનાના ધોકડવા 220 કેવી સબ સ્ટેશનમાં જેટકોના 20 મોટા ટાવર પડી ગયા હતા. ફક્ત 7 દિવસમાં ગઈકાલે 28 મેએ સાંજે 8.24 વાગ્યે આ સબસ્ટેશનમાં પુન:વીજ પૂરવઠો શરૂ થયો હતો. ધોકડવાના સબ સ્ટેશનમાં 10 નવા ટાવર અને 11 ઈ.આર.એસ. ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનનું કામ વહેલાસર પૂર્ણ થાય તે માટે ઉર્જાપ્રધાન સૌરભ પટેલે મુલાકાત લઈ ભારત સરકારના પાવર ગ્રીડ કોર્પોરેશનને મદદ માટે મોકલી હતી.
આ પણ વાંચોઃ ખોરવાયેલા વીજ પૂરવઠાને કાર્યરત કરવા માટે 49 ટિમો ભાવનગર ખાતે આવી પહોંચી
જેટકોની 50, પાવરગ્રીડની 10 મળી કુલ 60 ટીમ કામ કરી રહી છે
આ તમામ કામગીરીનું પ્રત્યક્ષ અને પરોક્ષ મોનિટરીંગ માટે રાજ્ય સરકાર, ઉર્જા વિભાગ, ઉર્જા વિકાસ નિગમ, જેટકોના સચિવો, એમ.ડી. અને સિનીયર અધિકારીઓએ દેખરેખ રાખી મોટી સંખ્યામાં એન્જિનિયરોએ જહેમત ઉઠાવી હતી. આ કામ પૂર્ણ કરતા એક મહિનાથી વધારે સમય લાગે તેવું પડકારજનક કામ જેટકોએ ગીર સોમનાથના ધોકડવામાં 7 દિવસમાં પૂર્ણ કર્યું હતું. જિલ્લામાં મોટી લાઈનો માટે જેટકોની 50 ટીમો, પાવરગ્રીડની 10 મળી કુલ 60 ટીમોના 1,600નો મેનપાવર કામ કરે છે.