- તાલાલાની મધમીઠી કેસર કેરીનો સ્વાદ હવે ઈટલીના લોકો માણશે
- ઈટલીની બજારને સર કરવા કેસર કેરીના 15 હજાર બોક્સ ૨વાના
- ભારતીય મૂળના ઈટલીના વેપારીએ તાલાલામાંથી કેસર કેરીની કરી આયાત
ગીર સોમનાથ: તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત વીરપુર ગીર ખાતે 2010માં રૂપિયા 4.60 કરોડના ખર્ચે નવનિર્મિત પેક હાઉસનું નિર્માણ થયા બાદ આ પેક હાઉસમાં પ્રોસેસ થયેલ કેસર કેરી અમેરિકા, યુ.કે. બાદ હવે ઈટલીના બજારોમાં પણ પહોંચશે. ભારતીય મૂળના ઈટાલિયન વેપારીએ તાલાલામાંથી કેસર કેરીની આયાત કરતા જળમાર્ગે 15 હજાર બોક્સ મોકલવામાં આવ્યા છે. જે આગામી 25 દિવસમાં ઈટલી પહોંચશે.
પ્રથમ વખત દરિયાઈ માર્ગે મોકલાઈ રહી છે કેરી
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઈ જારસાણિયાના જણાવ્યા પ્રમાણે, માર્કેટિંગ યાર્ડ સંચાલિત વીરપુર ગીર ખાતે 2010માં રૂપિયા 4.60 કરોડના ખર્ચે નવનિર્મિત પેક હાઉસનું નિર્માણ થયા બાદ આ પેક હાઉસમાં પ્રોસેસ થયેલી કેસર કેરી વિદેશોની બજારોમાં પહોંચાડવા "MPDEA માન્યતા' પ્રાપ્ત થયા બાદ કેસર કેરી પેક હાઉસમાં પ્રિ-કૂલિંગ-વોશીંગ-ક્લિનીંગ ઉપરાંત જરૂરી કેમિકલ પ્રોસેસીંગ થયા બાદ વીરપુર ગીર ખાતેથી દેશના સીમાડા ઓળંગી યુ.કે. અને આરબ કન્ટ્રીના દેશો તથા ઈટલીમાં કાર્ગો મારફતે જતી હતી પરંતુ હવે કેસર કેરી રેગ્યુલર એક્ષ્પોર્ટ કરતી કંપની દ્વારા પ્રથમ વખત દરિયાઈ માર્ગે ઈટલી જવા રવાના કરવામાં આવી છે. 10 ડિગ્રી સુધીની ઠંડી સાથે સ્પેશિયલ કેરી માટેનું કન્ટેનર જીફા પોર્ટ ઉપરથી 14 ટન એટલે કે 15 હજાર કેસર કેરીના બોક્સ પ્રથમ વખત રવાના થઈ રહેલા કન્ટેનર 25 દિવસની દરિયાઈ મુસાફરી કરી ઈટલી પહોંચશે. ઈટલી ખાતે રિપનીંગ પ્લાન્ટમાં કેસર કેરી પકવીને ઈટલીની બજારોમાં નંગના ભાવે વેચાશે.
જાણો શું છે પ્રોસેસ ?
કેસર કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવું સરળ નથી. તેને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. ગીરની કેસર કેરીને એક્સપોર્ટ કરનારા એક્સપોર્ટરનું કહેવું છે કે, ખેડૂતોના ખેતરમાંથી કેસરને તાલાલા મેંગો માર્કેટના મેંગો પેક હાઉસમાં લાવવામાં આવે છે. પ્રથમ કેસર કેરીનું વજન કરવામાં આવે છે. ત્યારબાદ તેને ધોવામાં આવે છે. ધોયા બાદ તેની સાઇઝ અને વજન મુજબ અલગ કરવામાં આવે છે. જે કેરીને ઈટલી મોકલવાની છે, તે કેરી 200 ગ્રામથી 350 ગ્રામ સુધીની હોય છે. 200 ગ્રામથી વધુ વજન ધરાવતી કેરીને અલગ કરાયા બાદ તેને બોકસમાં ભરવામાં આવે છે. ત્યારબાદ તેને કોલ્ડ સ્ટોરેજમાં સામાન્ય ઠંડી કરવામાં આવે છે. કેરીને 23 ડીગ્રી ટેમ્પરેચરમાં ઠંડી કરીને અન્ય પ્રોસેસ કરીને પેક કરવામાં આવે છે.
ઈટલીથી NRI વેપારી કેરીની ડિલિવરી લેવા ગીર પહોંચ્યા
ઈટલીથી કેસર કેરી લેવા ગુજરાત આવેલા NRI વેપારીનું કહેવું છે કે, અહીંની કેરીની કિંમત ઈટલીમાં ખૂબ જ વધારે મળે છે. ગુજરાતથી કેરી ઈટલી શિપ મારફતે પહોંચાડવામાં આવશે. ઈટલીમાં કેરીની જબરદસ્ત માગ છે. અંદાજે 500 ટન કેરીની ખપત થાય તેમ છે. કેરીને ગીરથી ઈટલી શિપ દ્વારા પહોંચાડવામાં લગભગ 20થી 27 દિવસનો સમય લાગે છે. જે કેરી અહીંયાથી રવાના કરવામાં આવે છે. તેવી જ કેરી ત્યાં પહોંચાડવામાં આવે છે. કેસર કેરીને 10 ડીગ્રી ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે. જે કરવા પાછળનું કારણ કેરીનો સ્વાદ જળવાઈ રહે તે માટેનો છે.