ઉના તાલુકાનાં પાલડી ગામના માછીમાર ભીખાભાઈ પોરબંદરનાં સુલેમાન જુણેજા નામના વ્યક્તિની અલ જુનેદ નામની બોટમાં 15 નવેમ્બર 2017નાં રોજ જખૌ બંદરેથી માછીમારી માટે નીકળ્યા હતા. આ બોટનું પાક મરીન દ્વારા અપહરણ કરાયું હતું. જેમાં ભીખાભાઈ સામેલ હતા. 2018માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી શરીર પેરેલાઈઝ થઈ ગયું હતું. તે છતાં પણ પાકિસ્તાને તેમને છોડ્યા નહી. 4 માર્ચના રોજ ફરી બીજો એટેક આવ્યો અને આ વખતે તેઓ ન બચ્યા. જ્યારે ભીખાભાઈનો મૃતદેેહ એમના મૃત્યુ બાદ દોઢ મહિને માદરે વતન આવતા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
તો ગામનાં લોકો એવું કહેતા હતા કે, પાકિસ્તાન સત્તાવાળા જરા પણ માનવતાવાદી અભિગમ ધરાવતા નથી. પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય માછીમારો સાથે જેલ સત્તાવાળા દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવે છે. તો અપૂરતો ખોરાક અને બીમાર પડે ત્યારે યોગ્ય સારવારનાં અભાવે ભારતીય માછીમારો મોતને ભેટી રહ્યા છે. કમસે કમ પાક જેલમાં ભારતીય માછીમાર મૃત્યુ પામે ત્યારે તેનો મૃતદેહ વહેલાસર માદરે વતન પહોંચે તે અંગે ભારત સરકારનું વિદેશ મંત્રાલય વધુ ગંભીર બને તે જરૂરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ તરીકે એક બે કંપની સિવાય કોઈ જ રોજગારીની તકો નથી. અહી વિશાળ દરિયા કિનારો ધરાવતા ઉના તાલુકામાં મુખ્ય રોજગારમાં કહી શકાય તો થોડી ખેતી બાદ માછીમાર ઉદ્યોગ છે. બીજા કોઈ જ રોજગાર લક્ષી વ્યવસાય નથી. આ તાલુકાનાં કાંઠાળ વિસ્તારનાં લોકો માછીમારીનાં ઉદ્યોગ સાથે જોડાયેલા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, ઘોઘલા, વણાકબારા તેમજ ગુજરાતનાં પોરબંદર અને જખૌ બંદરે માછીમારી માટે બોટોમાં જોડાતા હોય છે. આ અભણ માછીમારોને આંતરરાષ્ટ્રીય જળ સીમાની જાણકારી હોતી નથી.
આથી કેટલીક વખત માછીમારીની લ્હાયમાં આ માછીમારો પાકની સીમા નજીક જતા હોય છે. તે દરમિયાન નાપાક પાકિસ્તાન મરીન તેને બંદી બનાવીને પાકિસ્તાની જેલમાં ધકેલી દે છે. હાલમાં પાક જેલમાં 400થી વધુ ગુજરાતનાં માછીમાર કેદ છે. જેમાં ફક્ત ઉના તાલુકાનાં જ 150 આસપાસ કેદ છે. આ તમામ માછીમારોનાં પરિવાર બેહદ ગરીબ અવસ્થામાં જીવન ગુજારે છે.
પાકિસ્તાનની જેલમાં મૃત્યું પામેલા ભીખાભાઈના પરિવારની કઠણાઈ તો એ છે કે ભીખાભાઇનો મોટો પુત્ર બીજલ વર્ષ 2013માં બોટમાંથી અકસ્માતે દરિયામાં પડી જતા હજુ સુધી લાપતા છે. 7 વર્ષથી લાપતા પુત્ર બીજલભાઈના મૃત્યુના કે હયાત હોવાના કોઈ પુરાવા નથી. આથી પરિવાર ઘેરા શોકમાં હતો ત્યાં ભીખાભાઈના મોતનાં સમાચાર આવતા પરિવાર ભાંગી પડ્યો છે. દરિયામાં ગુમ થયેલા બીજલની પત્ની ગીતા, 2 દીકરી અને 1 દીકરાનું જેમ-તેમ કરીને ગુજરાન ચલાવે છે. પાલડી ગામનાં આ માછીમાર પરિવારમાં ભીખાભાઇ એક જ મોભી હતા. તેમનું પણ મોત થયું છે.
પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ભીખાભાઈનો નાનો પુત્ર પણ અન્ય કોઈ રોજગારીની તક ન હોવાના લીધે મત્સ્યઉદ્યોગ સાથે જ જોડાયેલો છે. બીજલભાઈનાં પત્ની પતિના મૃત્યુનાં દાખલા માટે સરકારી કચરીઓનાં ધક્કા ખાય છે. આર્થિક સંકડામણનાં લીધે બીજલભાઈનું પ્રમાણપત્ર 7 વર્ષ બાદ પણ મેળવી શક્યા નથી. ભીખાભાઈના મૃત્યુ અંગે પાકિસ્તાન સરકાર દ્વારા સત્તાવાર કોઈ જાણકારી ભારત સરકારને આપવાના આવી નથી. તેમજ ફિશરીઝ વિભાગ દ્વારા પણ ભીખાભાઈનાં પરિવારને આ અંગે જાણ કરવામાં આવી નથી.
પાકિસ્તાનની જેલમાં વારંવાર થતા ભારતીય માછીમારોના મોત સંદર્ભે માછીમાર સમાજમાં અનેક પ્રશ્નો ઉઠયા છે કે, 'પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારો સાથે થતાં અમાનવીય વ્યવહાર કેટલો યોગ્ય..? શું ભારત સરકાર આ બાબતથી અજાણ છે..? પોતાના જીવનાં જોખમે દરિયો ખેડનાર માછીમારનાં પરિવારની આ ખોટ માટે કોણ જવાબદાર..? પાકિસ્તાનમાં કેદ માછીમારોની યોગ્ય સારવાર ન થવાના લીધે જ અત્યાર સુધીમાં માત્ર પાલડી ગામનાં જ 3 માછીમારો પાક જેલમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે શું આ માછીમારો ના જીવની ભારત સરકારને દરકાર નથી..?