40 વર્ષથી વધુ સમયની જર્જરીત શાળાને 20 વર્ષ પૂર્વે શુગર ફેક્ટરીના ક્વાર્ટરમાં સ્થળાંતરીત કરવામાં આવી હતી. આ કવાર્ટર પણ ખખડેલી હાલતમાં હોવાથી તેમાં પાણી પડી રહ્યું છે. એટલે 300 જેટલાં વિદ્યાર્થીઓને જીવના જોખમે અભ્યાસ કરવો પડે છે. જેના કારણે વાલીઓ બાળકોને શાળામાં મોકલકતા નથી. માટે હાલ શાળામાં 300 પૈકી માંડ 20 જેટલાં વિદ્યાર્થીઓ શાળામાં જોવા મળે છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સર્વશિક્ષા અભિયાન હેઠળ વિવિધ યોજના અંતર્ગત શાળાઓને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. પણ આ શાળાઓમાં ઊનામાં શુગરમીલ પ્રાથમિક શાળાને જાણે તંત્ર ભુલી જ ગયું છે. જેથી 40 વર્ષ જૂની શાળા આજે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. છેલ્લા 20 વર્ષથી શાળાના બાળકોને બિસ્માર ક્વાર્ટરોમાં ભણાવવામાં આવે છે. જેના કારણે વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી.
આ અંગે ઊના શિક્ષણાધિકારી જણાવ્યું હતું કે, "શાળા માટે સરકારી જગ્યા ન હોવાથી કાર્યવાહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં સર્વશિક્ષા અભિયાન હેઠળ અહી નવી શાળાનું બીલ્ડીંગ બને તેવા અમારા પ્રયાસો ચાલે છે. હાલ આ શાળામાં કુલ 8 શિક્ષકો તેમજ 300 બાળકો અને વાલીઓ શાળાના જીર્ણોધ્ધારની રાહ છેલ્લા 20 વર્ષથી જોઈ રહ્યા છે."
આમ, સરકારી તંત્રની લાલીયાવાડીને કારણે 300 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. ત્યારે તંત્ર ઠાલા વચનો આપવામાંથી ઊંચુ નથી આવતું. શાળાને બનાવવાના દાવા છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે. પણ તેનું પરિણામ હજુ સુધી જોવા મળ્યું નથી. આથી રોષે ભરાયેલાં વાલીઓ ઉચ્ચકક્ષાએ શાળાની રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યાં છે.