વેરાવળ : સમસ્ત વેરાવળ ભોઈ સમાજ દ્વારા પાછલા 300 કરતાં વધુ વર્ષોથી શહેરમાં હોલિકાના દિવસે ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાઈ છે. જેના દર્શન કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાવિકો વેરાવળ પહોંચે છે. ભૈરવનાથ દાદા સૌ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ ધાર્મિક માન્યતા છે. તેને લઈને પણ સૌરાષ્ટ્રમાં એકમાત્ર હોળીના દિવસે વેરાવળમા સ્થાપિત ભૈરવનાથ દાદાની પૂજા કરીને સર્વે સમાજના લોકો ધન્યતા અનુભવે છે.
વેરાવળમાં સ્થાપિત કરાઈ ભૈરવનાથ દાદાની પ્રતિમા : સમસ્ત ભોઈ સમાજ દ્વારા વેરાવળમાં શિવના રુદ્ર સ્વરૂપ ભૈરવનાથ દાદાની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. પાછલા 300 વર્ષની પ્રાચીન પરંપરા મુજબ આ વર્ષે પણ હોળીના દિવસે ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી પ્રતિમાનુ સ્થાપન કરાયેલું છે. આ પ્રતિમા ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બની રહે છે જેના દર્શન કરવાને લઈને ભોઈ સમાજની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. પરંપરાગત રીતે ધાર્મિક વિધિ વિધાન સાથે તૈયાર થયેલી ભૈરવનાથ દાદાની પ્રતિમાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ભૈરવનાથ દાદા શિવના રુદ્ર સ્વરૂપ સમાન માનવામાં આવે છે. ત્યારે હોળીના દિવસે ભૈરવનાથ દાદાના દર્શન અને પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે તેને લઈને પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ હોળીના દિવસે વેરાવળ તરફ જોવા મળે છે.
આ પણ વાંચો Holi Festival 2023: જામનગરમાં વિશ્વની સૌથી મોટી હોલિકાનું દહન, જાણો વિશેષ મહાત્મ્ય
ભૈરવનાથ દાદાને આજના દિવસે ધરાવાય છે નૈવેદ્ય : આજના દિવસે હોળીના દિવસે ભૈરવનાથ દાદાને ખજૂર ધાણી પતાસા હારડા અને શ્રીફળની સાથે મદિરા પણ નૈવેદ્ય તરીકે અર્પણ કરવાની ધાર્મિક પરંપરા જોવા મળે છે. પ્રત્યેક ભાવિકો તેમની શક્તિ અને ઈચ્છા અનુસાર ભૈરવનાથ દાદાને નૈવેધ અર્પણ કરતા હોય છે. ભક્તોમાં ભૈરવનાથ દાદા સંતાન સુખ આપતા હોવાની પણ દ્રઢ માન્યતા આજે પણ જોવા છે. જેને લઈને પણ લોકો હોળીના દિવસે ભૈરવનાથ દાદાની માનતા પૂર્ણ પણ કરતા હોય છે. હોળી બાદ ધૂળેટીના દિવસે ધાર્મિક વિધિ વિધાન સાથે ભૈરવનાથ દાદાના પૂજન સાથે તેમની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પંડિતોની હાજરીની વચ્ચે વિશાળ પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો Holi Celebration: હોળી-ધૂળેટીમાં સાવચેતી રાખવા 108એ જાહેર કરી ગાઈડલાઈન
ભૈરવનાથ દાદાની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી : ભૈરવનાથ દાદાની પ્રતિમા પાછલા ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા તરીકે પણ ઓળખાઈ રહી છે પ્રતિમાના નિર્માણ પાછળ માટી લાકડું વાસ કાગળનો માવો કપડા અને સુશોભન માટે જરીનો ઉપયોગ કરવામાં આવે છે ભોઈ સમાજના કારીગરો દ્વારા બે દિવસની મહેનતને અંતે 30 ફૂટ ઊંચી ભૈરવનાથ મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે આ પ્રતિમા બનાવવા પાછળનો તમામ ખર્ચ સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉઠાવવામાં આવે છે જેને લઈને સમગ્ર વર્ષભર દાતાઓ દ્વારા આર્થિક દાન અને પુણ્ય પણ કરાતું હોય છે ત્યારે હોળીના બે દિવસ પૂર્વે પ્રતિમા બનાવવાની શરૂઆત થાય છે અને હોળીના દિવસે વહેલી સવારે બનેલી પ્રતિમા સૌ ભક્તોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે જેના દર્શન કરીને સૌ ભક્તો ભાવવિભોર પણ બને છે.