શ્રાવણ મહિનાના સોમવારે ભક્તોના પ્રવાહને ધ્યાને લઈને વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યુ હતું. મહાદેવના દર્શન કરવા ભક્તો દોઢેક કીલોમીટર જેવી લાંબી કતાર લગાવી ઉભા હતા. સોમનાથ મહાદેવ ની ભવ્ય પ્રાતઃ આરતી ના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
મહાદેવને સમર્પિત એવા શ્રાવણ માસ દરમિયાન ભારતના પ્રત્યેક શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. એવામાં ગુજરાતમાં અરબ સાગરના તટ ઉપર બિરાજમાન હિન્દૂ ધર્મની આસ્થાના પ્રતીક સમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે પણ શિવભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
આજે શ્રાવણમાસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર વાગ્યાથી જ ખોલી દેવામાં આવ્યા છે. સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ અંદાજે દોઢેક કી.મી લાંબી દર્શનાર્થીઓની કતાર જોવા મળી હતી. ભગવાનની ભવ્ય આરતીના દર્શન બાદ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કાશ્મીરમાં સર્જાયેલી તંગ પરિસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સાવધાની રાખવા વિનંતી પણ કરવામાં આવી હતી .અને જો કોઈપણ સંદિગ્ધ સમાન મળી આવે તો પોલીસ અથવા ટ્રસ્ટને જાણ કરવા કેહવામાં આવ્યુ હતું.