જૂનાગઢ/ગીર સોમનાથ : આગામી 24 કલાક હજુ પણ સોરઠ પંથક માટે વરસાદને લઈને વધુ ચિંતાજનક જોવા મળે છે પાછલા 48 કલાકથી સતત અને સાંબેલા ધાર વરસી રહેલા વરસાદને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં સચરાચર વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ 48 કલાક સુધી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઈને જિલ્લાનું તંત્ર પણ સાબદુ બની રહ્યું છે
તમામ તાલુકાઓમાં વરસાદ : જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદની શક્યતા પાછલા 48 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સોરઠ પંથકને મેઘરાજા ઘમરોળી રહ્યા છે 48 કલાકથી સતત અને અવિરત પડી રહેલા સાંબેલા ધાર વરસાદને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.
48 કલાક દરમિયાન 20 ઇંચ કરતાં વધુ વરસાદ : જૂનાગઢ અને વિસાવદર તાલુકામાં પાછલા 48 કલાક દરમિયાન 20 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જે વરસાદની તીવ્ર ગતિને અનુમોદન આપે છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં ભેસાણ તાલુકામાં પણ સાત ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જૂનાગઢ માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે એનડીઆરએફની એક ટીમ કેશોદ મુકામે અનામત રાખવામાં આવી છે. જે સંભવિત કોઈપણ મુશ્કેલીની પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢશે.
પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર પાણીથી લથબથ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં જે રીતે અતિભારે વરસાદ પડ્યો છે જેને કારણે જૂનાગઢની સૌથી મોટી ઓજત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળે છે. અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢના વેલિંગ્ટન હસનાપુર આણંદપુર સહિત ઓઝત વીયર એક અને બે ડેમ છલકાઈ જતા તેમાંથી પાણીનો પ્રવાહ ઓજત નદીમાં આવી રહ્યો છે. જેને કારણે ઓજત નદીનું પાણી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની સરહદને જોડતા અને ખૂબ જ નીચાણવાળા વિસ્તાર તરીકે ઓળખાતા ઘેડ પંથકમાં ફરી વળ્યું છે. જેને કારણે ઘેડ પંથકના ગામોમાં સામાન્ય વરસાદની વચ્ચે પણ પૂર જેવી સ્થિતિનો સામનો ગામ લોકો કરી રહ્યા છે
બે દિવસમાં 40 ટકા વરસાદ : જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા જાણે કે સૌથી વધુ કૃપાયમાન બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢ વિસાવદર અને ભેસાણ પંથકમાં 48 કલાક દરમિયાન પડેલો વરસાદ મોસમના કુલ વરસાદના 40% કરતાં પણ વધી જાય છે. જૂનાગઢમાં પાછલા 48 કલાક દરમિયાન 22 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે તે જ રીતે વિસાવદર તાલુકામાં પણ 20 ઇંચ કરતા વધુ વરસાદ પાછલા 48 કલાક દરમિયાન નોંધાયો છે. તો ભેસાણ તાલુકામાં પણ 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની શરૂઆત થઈ છે. જૂનાગઢના અન્ય તાલુકાઓ મેંદરડા માંગરોળ માણાવદર વંથલી સહિત તમામ તાલુકાઓમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડેલો છે.
પાછલા 24 કલાક દરમિયાન પડેલો વરસાદ : પાછલા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરને તાલુકામાં 7.15 ઇંચાવદર શહેર અને તાલુકામાં 16 ઇંચ ભેસાણમાં 13.50 ઇંચ અને મેંદરડા માં 4.75 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય માણાવદર માંગરોળ માળીયા અને વંથલી તાલુકામાં પણ સરેરાશ 2 ઇંચ થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ગિર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં પણ પાછલા 24 કલાક દરમિયાન પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા ઉના તાલુકામાં પણ સરેરાશ આજ સવાર સુધી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ ત્યાં વરસાદ પડવાની શક્યતા વધી જાય છે. તાલાલા તાલુકામાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ નોંધાયો છે જ્યાં 10 ઇંચની આસપાસ પાછા ત્રણ દિવસમાં વરસાદ પડ્યો છે.