ગીરસોમનાથ: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે વહીવટીતંત્ર દ્રારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. હાલમાં દેશમાં લોકડાઉનના કારણે અન્ય જિલ્લા કે રાજ્યમાં જવા માટે પ્રતિબંધ છે. અન્ય પ્રાંતના 4000થી વધુ લોકો ગીર સોમનાથ જિલ્લામાં આશ્રય લઈ રહ્યાં છે. સંસ્કૃત યુનિ. વેરાવળમાં અભ્યાસ કરતા ઓરિસ્સા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યના 42 વિધાર્થી ભાઈ-બહેનોની સંસ્કૃત યુનિ. હોસ્ટેલમાં તેમની પરિવારની જેમ કાળજી લેવામાં આવી રહી છે.
તેમજ જિલ્લામાં આવેલ ચાર શેલ્ટર હોલમાં 90થી વધુ પરપ્રાંતિય શ્રમિકો આશ્રય લઈ રહ્યાં છે. તેમને રાશનકીટ, ભોજન દાતાઓના સહયોગથી આપવામાં આવી રહી છે. સોમનાથ ખાતે યાત્રા કરવા આવેલ 85 ઓરિસ્સાના યાત્રાળુઓને શેલ્ટર હોમમાં આશ્રય આપી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનાજ કીટ આપવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશના 3900 માછીમાર જે વેરાવળની 610 બોટમાં ખલાસી તરીકે નોકરી કરે છે. તેઓની તંત્ર દ્રારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. તેમની બે વાર આરોગ્યની તપાસણી, સ્ક્રીનીંગ આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી છે.
સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરી વહીવટીતંત્ર દ્રારા જરૂરીયાત મુજબ અનાજની કીટ રાશન ફાળવવામાં આવી છે. જિલ્લામાં પરપ્રાંતિયોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્રારા સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે.
જ્યાં સુધી લોકડાઉન અમલમાં રહેશે ત્યાં સુધી તંત્ર તેમની આરોગ્ય, આશ્રય, ભોજન સુવિધા આપવામાં માટે કટિબધ્ધ છે. જિલ્લામાં કોઈપણ પરપ્રાંતિય આશ્રય કે ભોજન સુવિધાથી વંચિત ન રહે તે માટે તંત્ર સજાગ થઈ કામગીરી કરી રહ્યું છે.