વેરાવળ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ જીવલેણ પુરવાર થયો છે. દેશભરમા લોકડાઉન અમલમાં છે. દેશને આર્થિક મદદ કરવા માટે લોકોએ અપીલ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામા સામાજીક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ દ્વારા યોગદાન આપવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની સરકારી અને બિનસરકારી શાળાઓ, શિક્ષકો અને કર્મચારીઓ દ્રારા સી.એમ.રિલિફ ફંડમા યોગદાન આપવા માટે રૂપિયા 87 લાખથી વધુ રકમનો ચેક કલેકટરને જિલ્લા શિક્ષણાધિકારીએ અર્પણ કર્યો હતો.
રકમની વિગતવાર માહિતીમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ દ્રારા અંદાજે 21 લાખ, પ્રા.શાળા સ્ટાફ ઉના દ્રારા અંદાજે 15 લાખ, પ્રા.શાળા સ્ટાફ ગીરગઢડા દ્રારા 7 લાખ, પ્રા.શાળા સ્ટાફ સુત્રાપાડા દ્રારા 9 લાખ, પ્રા.શાળા સ્ટાફ કોડીનાર દ્રારા 12 લાખ, પ્રા.શાળા સ્ટાફ તાલાળા દ્રારા 6 લાખ, પ્રા.શાળા સ્ટાફ વેરાવળ દ્રારા 13 લાખ, સર્વ શિક્ષા અભિયાન દ્રારા દોઢ લાખ , સરકારી મા.અને ઉ.મા.સ્ટાફ દ્રારા 2 લાખ અને ડિ.ઈ.ઓ.સ્ટાફ દ્રારા 20 હજાર સહિત કુલ 87,65,531 રકમનું યોગદાન સી.એમ.રિલિફ ફંડમાં આપવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાની સરકારી, બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પ્રાથમિક જિલ્લા પંચાયત સમિતિના શિક્ષકો, સર્વ શિક્ષા અભિયાન તેમજ ડી.ઈ.ઓ.સ્ટાફ સહિત જુદા-જુદા દસ વિભાગોમાંથી એપ્રિલ-2020ના પગારમાંથી એક દિવસનો પગાર સી.એમ. રિલિફ ફંડમાં જમા કરાવી યોગદાન આપવામાં આવ્યું છે.