કચ્છ: સમગ્ર રાજ્યમાં 27મી ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધીમાં ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. ત્યારે કચ્છ જીલ્લામાં ધોરણ 10ના કુલ 26,063 અને ધોરણ 12ના કુલ 14,862 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
કુલ કેટલા વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા?: કચ્છ જીલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે માહિતી અપાતા જણાવ્યું હતું કે, કચ્છના SSC અને HSCના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ મળીને કુલ 40,925 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ઉમેદવારી નોંધાવી છે, જેમાં ધોરણ 10ના 26,063, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 13,460 વિજ્ઞાન પ્રવાહના 1402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
4 વખત પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન: ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં પેપર લખવાની ફાવટ આવી જાય. તે માટે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 3 વખત પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોથી વખત પરીક્ષા ઘરે જ હોમવર્ક રૂપે લેવાઈ ચૂકી છે. તો આ ઉપરાંત વિદ્યાર્થીઓને 25મી જાન્યુઆરીથી યુ-ટ્યૂબ ઉપર ઈ-લર્નિંગ ચેનલથી દરરોજ એક વિષયના વીડિયો મારફતે પણ અભ્યાસ કરાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ક્યારેક પોતાના પરીક્ષા કેન્દ્રની જગ્યાએ અન્ય પરીક્ષા કેન્દ્ર પર જતા રહેતા હોય છે. ત્યારે આ વખતે પરીક્ષા રિસીપ્ટની સાથે પરીક્ષા કેન્દ્રનું લોકેશન પણ આપી દેવામાં આવશે.
5 જૈન મુનિઓ પણ આપશે પરીક્ષા: ઉલ્લેખનીય છે કે, પરીક્ષા આપનારા કુલ 40,925 પરીક્ષાર્થીઓ પૈકી ગાંધીધામના 5 જેટલા જૈન મુનિઓ પણ આ વખતે બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ગાંધીધામના 3 જૈન મુનિઓ ધોરણ 10ની અને 2 જૈન મુનિઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. જેમના માટે કોચિંગની વ્યવસ્થા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓ તૈયારીઓ પણ રિવિઝન સહિતની તૈયારીઓ કરી રહ્યા છે. તો અંતિમ તૈયારીના ભાગરૂપે કોચિંગ ક્લાસમાં તેમજ બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાલ પરીક્ષાને લઇને પોતાના સંતાનોનો જુસ્સો વધારી રહ્યા છે.
![બોર્ડની પરીક્ષા માટે કચ્છનું શિક્ષણ વિભાગ સજ્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-kutch-03-board-exam-video-story-7209751_14022025112331_1402f_1739512411_1050.jpg)
54 પરીક્ષા કેન્દ્રોમાં લેવાશે પરીક્ષા: 27મી ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી જિલ્લાના 5 ઝોનમાં 54 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 10મા ધોરણના 37 જેટલા પરીક્ષા કેન્દ્રો છે, 12માં ધોરણના સામાન્ય પ્રવાહના 13 અને વિજ્ઞાન પ્રવાહના 4 એમ મળીને કુલ 54 પરીક્ષા કેન્દ્રો છે. જેમાં ધોરણ 10ના 3 અને ધોરણ 12ના 2 ઝોન મળીને કુલ 5 ઝોનમાં 161 શાળાઓમાં 1449 જેટલા બ્લોક પાડીને વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામા આવી છે. 13 જેટલા અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો છે. ત્યાં પણ પેરા મિલિટરી ફોર્સ માટે સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ CCTV કેમેરા પણ રાખવામાં આવ્યા છે અને સતત મોનિટરીંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ ગેરરીતિ ન થાય તેની કાળજી રાખવામાં આવશે. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. તે માટે પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થામાં ગોઠવાયેલા કર્મચારીઓને શિક્ષણ વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: