ગીર સોમનાથઃ જિલ્લા વહીવટી સદન ઈણાજ ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રભારી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજનની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના 9 કરોડથી વધુ રકમના 426 કામ મંજૂર કરાયા હતા.
- પ્રભારી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજનની બેઠક યોજાઈ
- 9 કરોડ 84 લાખના ખર્ચે 426 કામ મંજૂર કરવામાં આવ્યાં
- 6 માસના સમય મર્યાદામાં શરૂ કરવામાં ન આવે તો રદ કરવા સુચના અપાઇ
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2020-21 માટે આયોજન હેઠળ રૂપિયા. 9 કરોડ 84 લાખના ખર્ચે 426 કામો મંજૂર કરવામાં આવ્યા છે. રોડ-રસ્તા સહિતના જુદા-જુદા વિકાસના કામો હાથ ધરી વહેલીતકે પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.
પ્રભારી પ્રધાન રાદડીયાએ આયોજનના કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં બાકી રહી ગયેલા વિકાસના કામો તરત પુર્ણ કરવા પર ભાર મુક્યો હતો. વર્ષ 2020-21 માટેના મંજૂર થયેલા કામો તુરંત શરૂ કરવા તેમજ મંજૂર થયેલા કામો 6 માસના સમય મર્યાદામાં શરૂ કરવામાં ન આવે તો રદ કરવા સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
વીડિયો કોન્ફરન્સ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.