ગીર સોમનાથ : સૌરાષ્ટ્ર એટલે સેવા અને સેવાનો પર્યાય એટલે સૌરાષ્ટ્ર આ ઉક્તિ વેરાવળના રવિ ગોસ્વામી અને તેમના મિત્રો સિદ્ધ કરી રહ્યા છે. તમામ મિત્રો વેરાવળના લોકોને સવારના 6થી 9 કલાક સુધી વિનામૂલ્યે કડવા લીમડાનો રસ પૂરો પાડે છે. પ્રતિદિન 2000 લીટર જેટલો લીમડાનો રસ વેરાવળ વાસીઓ આરોગ્યના ઘુટડા તરીકે પી રહ્યા છે. જેનો શ્રેય રવિ ગોસ્વામી અને તેના મિત્રોને જાય છે.
વેરાવળમાં લીમડાના રસની નિશુલ્ક સેવા : ભારતીય આયુર્વેદિક પરંપરા અને ચરક સંહિતામાં કડવા લીમડાના અનેક મીઠા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. લીમડાનું ઝાડ આરોગ્યથી લઈને પર્યાવરણ અને રોગોમાં ખૂબ જ અક્સીર માનવામાં આવ્યું છે. વર્ષો પૂર્વે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં લીમડાને અમૃત સમાન માનવામાં આવ્યો છે, ત્યારે વેરાવળના રવિ ગોસ્વામી અને રાધેશ પુરોહિત કડવા લીમડાના રસની મીઠી સેવા વેરાવળ વાસીઓને વિનામૂલ્યે પુરી પાડી રહ્યા છે. વહેલી સવારે 6:00 વાગ્યાથી શરૂ કરીને 9:00 વાગ્યા દરમિયાન 4 હજાર જેટલા લોકો કડવા લીમડાના રસના ઘૂંટ લગાવીને આરોગ્યને તરોતાજા કરતા જોવા મળે છે. પાછલા 17 વર્ષથી રવિભાઈ અને તેમના મિત્રો આ પ્રકારે કડવા લીમડાનો રસ લોકોને વિનામૂલ્ય મળી રહે તે માટેનું અભિયાન ચલાવી રહ્યા છે.
આગલા દિવસથી કરાય છે તૈયારી : વહેલી સવારે છ વાગ્યે લીમડાના રસનું વિનામૂલ્યે વિતરણ થતા પૂર્વે તેની તૈયારી આગલા દિવસે સાંજના સમયે કરવામાં આવે છે. રવિ ગોસ્વામી અને તેમના મિત્રો સાંજના સમયે વેરાવળ અને આસપાસના વિસ્તારોમાંથી લીમડાના પાન એકત્ર કરે છે. તેને સાફ કરી સ્વચ્છ પાણીથી ધોઈને સવાર સુધી રાખે છે, ત્યારબાદ વહેલી સવારે આ તમામ મિત્રો સ્વચ્છ થયેલા લીમડાના પાનને આધુનિક મશીન દ્વારા તેનો રસ કાઢીને લોકોને રૂબરૂ પીવડાવી રહ્યા છે.
રક્ત શુદ્ધ કરવા માટેનું પવિત્ર : લીમડાના ગુણો ગાઈયે તેટલા ઓછા છે લીમડાને રક્ત શુદ્ધ કરવા માટેનું પવિત્ર અને અમોઘ આયુર્વેદિક ઔષધ મનાય છે. વધુમાં લીમડાની છાલ, ફળ અને તેના ફૂલ પણ અનેક રોગોમાં ઉપયોગી બને છે. ચૈત્ર મહિના દરમિયાન લીમડાના ફૂલ માત્ર દસ દિવસ સુધી ખાવાથી કોઈપણ વ્યક્તિને આખું વર્ષ કોઈપણ પ્રકારનો તાવ આવતો નથી. તેના પુરાવા આયુર્વેદિક ઔષધ સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો : Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ
છાલ લીંબોડી અને મોર ઉપયોગી : લીમડાનું સંપૂર્ણ વૃક્ષ ઉપયોગી મનાય છે. તેના પાનનો રસ લોહીને શુદ્ધ કરે છે. મધુપ્રમેહ જેવી બીમારીમાં લીમડો અકસીર મનાય છે. લીમડાના મોર કોઈપણ પ્રકારના તાવ સામે રક્ષણ આપે છે. લીંબોડીમાંથી બનતું તેલ ચામડી અને વાળના રોગો માટે અક્સિર મનાય છે. તો આંતર છાલનો ઉપયોગ ચામડીના જટિલ એવા સોયરાસીસ નામના રોગ પર અક્સીર માનવામાં આવે છે.
આ પણ વાંચો : Rajkot News : જાડેજા પરિવારે લોકોની સેવા માટે ફાળવી બે એમ્બ્યુલન્સ, લાલબાપુએ બાંધી રક્ષા ચૂંદડી
લીમડાનો છાયો ઠંડો : વધુમાં આકરા ઉનાળા દરમિયાન લીમડાનો છાંયો શરીરને ઠંડું રાખવામાં તેમજ ગરમીથી રક્ષણ આપે છે. આરોગ્યની દ્રષ્ટિએ લીમડાના વૃક્ષમાંથી પસાર થઈને આવતી હવાને શરીર માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. આટલા લોકહિત માટે ઉપયોગી એવા લીમડાના રસનું રવિભાઈ ગોસ્વામી અને તેના મિત્રો વિનામૂલ્યે વિતરણ કરીને મનુષ્યના આરોગ્યની સાથે પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ તેવો સંદેશો પણ આપી રહ્યાં છે.