ગીર સોમનાથ: હાલ જ્યારે ચોમાસાનો માહોલ હોય જંગલની અંદર વિવિધ પ્રકારના કીટકો જંગલી પ્રાણીઓને રંજાડ કરતા હોય છે. તેનાથી બચવા માટે જંગલી પ્રાણીઓ મેદાની પ્રદેશોની અંદર ધસી આવે છે, ત્યારે ગીરની બોર્ડર પર આવેલા ગામડાઓના લોકો અને સિંહો વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા થોડા સમયથી ગીર સોમનાથ જિલ્લાના જંગલ બોર્ડર નજીક આવેલા ગામોમાં સિંહો કે દીપડા દેખા દઈ રહ્યા છે. આ જાનવર દ્વારા પશુઓનો શિકાર કર્યો હોય તેવી ઘટના પણ બને છે. જે કારણે સમગ્ર ગામના લોકોનો જીવ અદ્ધર રહે છે. ત્યારે ખેડૂતોનો આક્રોશ છે કે, વનવિભાગ દ્વારા ખેડૂતોને કનડગત કરવામાં આવી રહી છે. ખેડૂતોને યોગ્ય સમયે ફેન્સીંગની પરવાનગી નથી મળતી અને જો ફેન્સીંગમાં ઇલેક્ટ્રિક કરંટ હોય અને કોઈ જંગલી પ્રાણી તેને અટકી જાય તો ખેડૂતો પર વન વિભાગ મુસીબત બનીને ત્રાટકે છે.
આ બાબતે ETV ભારત દ્વારા વન વિભાગની કચેરીની મુલાકાત લેવા સમય કોઈ પણ જવાબદાર અધિકારી કચેરી હાજર ન હતા, તેમજ તેમનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારે ખેડૂતોને ચિંતા છે કે શું કોઈ માનવ હાનિ થાય ત્યારે જ વન વિભાગ જાગશે? કે પછી હિંસક બનેલા પ્રાણીઓને પકડીને ઊંડા જંગલની અંદર તેઓને છોડી આવશે.
હિંસક પ્રાણી દ્વારા લોકો પર થયેલા હુમલા
8 ફેબ્રુઆરી, 2020 - ગીરસોમનાથના ઉનામાં વૃદ્ધ પર સિંહનો હુમલો
ઉના તાલુકાના ઉમેજ ગામે દાસાભાઈ જાદવ નામના વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો હતો. હુમલાને પગલે સદનસીબે વૃદ્ધે પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા સિંહ નાશી ગયો હતો જેના પગલે વૃદ્ધનો બચાવ થયો હતો.
17 ફેબ્રુઆરી, 2020 - દીપડાના હુમલાના ભોગ બનેલ યુવકને સરકારી હોસ્પિટલમાં હાલાકીનો કરવો પડ્યો સામનો
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગામે દીપડાના હુમલાનો ભોગ બનેલ યુવકે દીપડાનો પ્રતિકાર કરી મોત પર વિજય મેળવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સુવિધાના અભાવે યુવક અને તેના સ્વજનોએ કલાકો સુધી શહેરમાં દવા શોધવી પડી હતી.
16 ઓગષ્ટ, 2019 - રાત્રીના સમયે ઘરમાં દીપડો ઘૂસ્યો, મહિલાને ફાડી ખાધી
કોડિનાર તાલુકાના એભલવડ ગામે રાત્રીના સમયે દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. દીપડાએ અહીં જાહુબેન ખાસિયા નામના વૃદ્ધ પર હુમલો કરી ઉઠાવીને જંગલમાં ખેંચી લઈ ગયો હતો. જ્યાં આ મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી.