ગીર સોમનાથ: પાકિસ્તાનના દરિયામાં સર્જાયેલું ચક્રવાત ધીમે ધીમે હવે વાવાઝોડાના રૂપમાં અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની શક્યતાના પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ કામગીરી શરૂ કરી છે. અધિકારી અને કર્મચારીઓનું જે તે વિસ્તારમાં પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે.
વહીવટી તંત્રનો એકશન મોડ: ગીર સોમનાથ જિલ્લો સૌથી મોટો દરિયાકિનારો ધરાવે છે. પાકિસ્તાનમાં સર્જાયેલું સુપર સાઇક્લોનિક સિસ્ટમ વાવાઝોડાનું(Cyclone Biporjoy) રૂપ ધારણ કરીને અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ અને ત્યારબાદની તમામ સ્થિતિને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શે તેવી સ્થિતિમાં સંભવિત નુકસાન ઓછું કરી શકાય અને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર રાહત પહોંચી શકે તે જરૂરી છે.
વાવાઝોડું ટકરાવાની સંભવિત સ્થિતિમાં સૌથી ઓછું નુકસાન થાય અને લોકોને સૌથી વધુ સુરક્ષિત સ્થાન પર પહોંચાડી શકાય તે માટેનું અભિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તમામ તાલુકા મથકમાં આવેલ સરકારી ફિસરીઝ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ સહિત બંદર વિભાગની તમામ કચેરીઓમાં કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડા અને આગામી ચોમાસાને લઈને કંટ્રોલરૂમ સતત ચાલુ રહેશે. અહીં અધિકારી અને કર્મચારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિમાં કંટ્રોલરૂમનો સંપર્ક કરવાથી કર્મચારી અને અધિકારી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામને લઈને પહોંચી જશે. --- એચ.કે. વઢવાણિયા (જિલ્લા કલેકટર,ગીર સોમનાથ)
કામની સોંપણી: જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, માઢવડ (મૂળ દ્વારકા) આ બંદરોમાં વાવાઝોડા દરમિયાન નુકસાન ઓછું થાય તેને ધ્યાને રાખીને તમામ ચાર તાલુકાઓ અને બંદર વિસ્તારમાં અધિકારીઓને કામની વહેંચણી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીથી લઈને મામલતદાર સુધીના કર્મચારીઓ અને અધિકારીઓને તેમની યોગ્યતા અને તેમના વિષયને ધ્યાને રાખીને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ફીસરીઝ વિભાગ, સિંચાઈ, માર્ગ અને મકાન, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ખેતીવાડી સહિતના તમામ શાખા અને વિભાગમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ છે. સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કઈ રીતે રાહત કામ કરી શકાય તે અંગેની તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.