વેરાવળ : એક અઠવાડિયા પૂર્વે વેરાવળના ડો અતુલ ચગની આત્મહત્યાનો મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આજે ડોક્ટર ચઞના પરિવાર દ્વારા રોકવામાં આવેલા વકીલ ચિરાગ કક્ડ દ્વારા આ પ્રકારની વિગતો માધ્યમોને આપી છે. આગામી દિવસોમાં પોલીસ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાને સમગ્ર કેસમાં આરોપી તરીકે સામેલ નહીં કરે તો સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં લઈ જવાની વાત ચગ પરિવારના વકીલ ચિરાગ કક્ડ દ્વારા કરવામાં આવી છે.
વેરાવળના તબીબ અતુલ ચગની આત્મહત્યાનો મામલો કોર્ટમાં પહોંચે તેવી શક્યતા એક અઠવાડિયા પૂર્વે વેરાવળના ખ્યાતનામ તબીબ ડો અતુલ ચગ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા આત્મહત્યા કરતા પૂર્વે મરણ નોંધ લખવામાં આવી છે. જેમાં રાજેશ ચુડાસમા અને નારણભાઈના કારણે તેઓ આત્મહત્યા કરે છે તેવું લખેલું જોવા મળે છે. જેને લઇને સમગ્ર મામલો રાજકીય રીતે પણ ચર્ચાસ્પદ બની રહ્યો છે. ત્યારે આજે ચગ પરિવાર દ્વારા રોકવામાં આવેલા વકીલ ચિરાગ કકડ દ્વારા સમગ્ર મામલાને લઈને પોલીસ આરોપી તરીકે રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈને સામેલ નહીં કરે તો તેમના વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવાની તજવીજ શરૂ કરી છે.
વેરાવળ પોલીસ સામે શંકાઓ ડોક્ટર ચગના પરિવાર દ્વારા રોકવામાં આવેલા વકીલ ચિરાગ કકડે આજે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે ચગ પરિવાર દ્વારા અરજી નહીં વિધિવત ફરિયાદ આપવામાં આવી છે. પોલીસે તાકીદે ફરિયાદ લેવી પડે પરંતુ પોલીસ એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં પણ ફરિયાદ લેવાને લઈને આનાકાની કરી રહી છે. ત્યારે સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટના પાછલા ચુકાદાઓનું વેરાવળ પોલીસ સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે તેવી વાત પણ તેમણે કરી છે.
રાજ્યની વડી અદાલતમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવાની કરી વાત વેરાવળ પોલીસ જો આગામી દિવસોમાં રાજેશ ચુડાસમા અને નારણભાઈને સમગ્ર કેસમાં આરોપી તરીકે સામેલ નહીં કરે તો તેમના દ્વારા રાજ્યની વડી અદાલતમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવાની વાત પણ આજે વકીલ ચિરાગ કક્કડે માધ્યમો સમક્ષ કરેલી વાતચીતમાં વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસોમાં હવે અતુલ ચગનો મામલો એફઆરઆઇ થાય તે પૂર્વે જ કોર્ટના ચક્કરમાં ચકરાવે ચડતો પણ જોવા મળી શકે છે.