ગીર સોમનાથ: જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી માનસિહ પરમારે અચાનક રાજીનામું ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે માનસિંહ પરમારે વેરાવળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર થતાં તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. ચૂંટણીમાં હાર બાદ આજે ફરી એક વખત અચાનક રાજીનામું આપતાં અનેક રાજકીય ચર્ચાઓ વેગ પકડી રહી છે.
જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું: ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી યુવાન કારડીયા રાજપુત સમાજના અગ્રણી માનસિંહ પરમારે અચાનક રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનમાં ફેર બદલાવ કરીને જિલ્લા ભાજપના પ્રમુખ પદે માનસિંહ પરમારને નિયુક્તિ કરી હતી. ત્યારબાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં સોમનાથ બેઠક પરથી ભાજપે માનસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરતા તેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર: ત્યારબાદ પ્રમુખ તરીકે સહકારી આગેવાન જશાભાઇ બારડના પુત્ર દિલીપ બારડને પ્રમુખ પદ સોપાયું હતું. પરંતુ ચૂંટણીમાં માનસિંહ પરમારની હાર થતા ફરી તેમને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમણે આજે અચાનક રાજીનામું આપીને જિલ્લાના રાજકીય વાતાવરણમાં ચર્ચાના નવા દોરને શરૂ કર્યો છે
રાજીનામા પાછળ સામાજિક કારણો: હોદ્દા પરથી રાજીનામું આપતા પૂર્વે માનસિહ પરમારે સામાજિક અને તેમના ઉદ્યોગ અને ખેતીમાં વ્યસ્તતાને કારણે રાજકીય પક્ષમાં સંગઠન જેવી અતિ મહત્વની જવાબદારીમાં સમય ફાળવી ન શકતા હોવાને કારણે તેઓએ રાજીનામું આપ્યું છે તેવી વાત કરી છે. પરંતુ પાછલા એક દસકા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ અને ખાસ કરીને સંગઠનાત્મક નિમણૂકો ચૂંટણી પરિણામો પૂર્વે અને ત્યારબાદ સતત બદલાતી જોવા મળી રહી છે. જેને કારણે પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. તેવી ભાજપના આંતરિક સૂત્રોમાં પણ ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો: Vadodara News: અપક્ષ MLAના માણસે BJPના નેતાને માર્યો લાફો, જાનથી મારી નાખવાની આપી ધમકી
રાજકારણમાં પકડ માટે રાજીનામું?: ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ મોટેભાગે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલું જોવા મળે છે. પૂર્વ પ્રધાન અને સહકારી આગેવાન જસાભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય અને ગુજકોમાસોલમાં કાર્યરત ગોવિંદભાઈ પરમાર અને જિલ્લાના રાજકારણમાં પાછલા ઘણા વર્ષોથી સંગઠનાત્મક જવાબદારી નિભાવતા ઝવેરી ઠકરાર મોટે ભાગે ગીર સોમનાથ જિલ્લાના સંગઠન પર પકડ જમાવતા જોવા મળે છે. જેને કારણે જિલ્લા પ્રમુખ જેવી સંગઠનના મહત્વના હોદ્દા પર નિમણૂક માટે આ ત્રણ આગેવાનો મહત્વના બને છે.
આ પણ વાંચો: Gandhinagar News : મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને મળી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડની બેઠક યોજાઈ
સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલું છે રાજકારણ: માનસિહ પરમાર ગોવિંદભાઈ પરમાર સાથે પારિવારિક સંબંધો ધરાવે છે. તો પહેલા પ્રમુખ બનેલા દિલીપ બારડ જશાભાઇ બારડના પુત્ર થાય છે તો ખુદ ઝવેરીભાઈ ઠકરાર વર્ષો સુધી ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહ્યા છે. તેઓ પ્રદેશ સંગઠનમાં ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે ત્યારે માનસિહ પરમારે અચાનક પ્રમુખ પદેથી આપેલું રાજીનામું રાજકીય ત્રિકોણને લઈને પણ હોઈ શકે છે. જેના પર આગામી દિવસોમાં ખુલાસો થવાની શક્યતા નકારી શકાતી નથી.