- ગીર સોમનાથમાં જિલ્લા-તાલુકા મથકોએ ફલ્ડ કન્ટ્રોલરૂમ કાર્યરત
- વરસાદ અને જળાશયોની સ્થિતિ પર રાખશે ચાંપતી નજર
- જિલ્લામાં કુલ 5 ડેમો આવેલા છે જેમાંના 2 દરવાજા વિનાના
ગીર-સોમનાથઃ જિલ્લામાં મહત્વના પાંચ ડેમમાં પાણીની સપાટી વધવાથી માંડીને ઓવરફલો થવા સુધીની પ્રક્રિયા માટે સિંચાઇ વિભાગ સજ્જ થયો છે. જિલ્લામાં કુલ પાંચ ડેમ આવેલા છે. જેમાં મધ્યમ કદના દરવાજાવાળા 03 અને 2 દરવાજા વિનાના ડેમ છે. આગામી ચોમાસાની ઋતુને લઇને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું સિંચાઇ વિભાગ તથા તાલુકા મામલતદાર મથકો કન્ટ્રોલરૂમથી ધમધમતા થયા છે.
પૂર અને સિંચાઇ ડેમનો કન્ટ્રોલરૂમ કરાયો શરુ
1 જૂનથી પૂર અને સિંચાઇ ડેમનો કન્ટ્રોલરૂમ ધમધમતો કરવામાં આવ્યો છે. જે 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે. કેવા પ્રકારની કામગીરી કન્ટ્રોલરૂમ અને સમગ્ર સિંચાઇ વિભાગ ચોમાસામાં કરે છે તેની વિગત આપતા જણાવ્યું કે, ગીર-સોમનાથમાં પાંચ મધ્યમ સિંચાઇ યોજના છે, જેમાં ત્રણ ડેમના દરવાજા છે. જયારે 2 ડેમના દરવાજા નથી. ત્રણ પાળીમાં 2 જૂનથી જ જવાબદારી ફાળવવામાં આવી છે. જયાં દર બે કલાકે વરસાદના આંકડા તથા ડેમ ઓવરફલો થવાની વિગત નોંધાતી રહેશે. સંદેશા વ્યવહાર માટે વાયરલેસ સેટ પણ સજ્જ રહેશે.
આ પણ વાંચોઃ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે
ભારે પુર વખતે ડેમના દરવાજા ખોલવાની સીસ્ટમ
ભારે પુર વખતે ડેમના દરવાજા ખોલવાની સીસ્ટમ અંગે જણાવ્યું કે, હિરણ-1 ડેમ સાસણ ગીર મધ્યમાં આવેલો છે, જે કુલ 44.20 મીટરે 100 ટકા ઓવરફલો થયો ગણાય છે. જેની ક્ષમતા 714.282 એમસીએફટી છે. આ ડેમને દરવાજા નથી એટલે ઓટોમેટીક વધારાનું પાણી ડેમ વટાવી આગળ વધે છે. એવી જ રીતે બીજો ડેમ હિ૨ણ-2 તાલાલા નજીક ઉમરેઠી ગામ પાસે આવેલો છે. જેની કુલ કેપેસીટી 71.26 મીટર અને સંગ્રહ શક્તિ 1362.50 એમસીએફટી છે, જેના સાત દરવાજા છે. કોડીનાર પાસે આવેલા સિંગવડા નદીનો ડેમ 1273 MCFT ક્ષમતા ધરાવે છે, જેને છ દરવાજા છે, જેનો પાણી પુરવઠા માટે જ ઉપયોગ થાય છે. જયારે ઉના પાસે આવેલા મછુન્દ્રીડેમની ક્ષમતા 942 MCFT છે, જે ડેમને દરવાજા નથી.
4 પ્રક્રિયામાં ખોલવામાં આવે છે ડેમના દરવાજા
ડેમના દરવાજા ખોલવા માટે 4 પ્રક્રિયામાં એક નહી તો બીજી એમ કામ કરાતું હોય છે. ડેમની ઉપર બે જનરેટર સેટ હોય છે. એક ચાલું બીજો સ્પે૨ એવી રીતે ચાલુ જનરેટર જો બંધ થાય તો સ્પેર જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે 100 અને 125કે.વી.ના હોય છે. ઇલેકટ્રીકથી ન ખુલે તો ડીઝલ યુનિટ પણ તૈયાર જ હોય છે અને ડીઝલ યુનિટ પણ કામ ન આપે તો મેન્યુઅલ હાથથી પણ જરૂર પડયે દરવાજા ખોલવામાં આવે છે. ડેમના દરવાજામાં એલર્ટ પધ્ધતિ હોય છે. જેમાં સિંચાઇ વિભાગનું માસવાર નિયત રૂલ હોય છે. તે મુજબ જ ડેમમાં પાણી જળવાવું જોઇએ. દા.ત. હિરણ-2 ડેમમાં 1 જુલાઇએ 70 મીટર ભરવાનો, 1 ઓગષ્ટે 70.75 મીટર ભરવાનો, 1 સપ્ટે. 71.26 મીટર ભરવાનો હોય છે.
આ પણ વાંચોઃ રાજકોટ તૌકતેની તારાજી: આજી ડેમ-2 ઓવરફ્લો, એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો
ડેમમાં 70 ટકા પાણી ભરાયા બાદ જિલ્લા તંત્રને જાણ કરવામાં આવે
ડેમમાં 70 ટકા વરસાદનું પાણી જયારે ભરાય ત્યારે વાયરલેસ મેસેજથી કલેકટર, મામલતદાર, TDO, નાયબ કલેકટર, PSIને જાણ કરવામાં આવે છે. નદીના પટમાં પાણીની આવક ચાલુ છે અને ડેમના દરવાજા ખોલવામાં આવશે. માટે નીચાણવાળા વિસ્તારો અને નદીતટના ગામડાઓને એલર્ટ કરવામાં આવે. આ સાથે ફરી પાછુ 80 ટકા ડેમમાં પાણી ભરાઇ જાય ત્યારે બીજો એલર્ટ આપવામાં આવે છે પછી 90 ટકાએ એલર્ટને 100 ટકા ડેમ ભરાઇ જાય ત્યારે ખાસ મેન્શન સંદેશો આપવામાં આવે છે. ડેમના દરવાજા ખુલી રહ્યા છે. જેના આધારે વહીવટીતંત્ર જે ખાતાને અને પ્રચાર માધ્યમો તથા ટી.વી. દ્વારા પ્રજાને સાવચેત કરતું હોય છે. જયારે ડેમના દરવાજા ખોલાય અને નદીમાં પાણી વહેતું કરાય ત્યારે ડેમનું સાયરન પણ વગાડાય છે. જે નજીકના દસ-પંદર કિલોમીટર વિસ્તાર સુધી લોકો સાંભળી સાવચેત બને છે. એટલું જ નહી ડેમમાં ભારે પાણીના પ્રવાહ સમયે પણ અમુક સેન્ટીમીટર, અડધો ફુટ, એક દરવાજો, બે દરવાજા એમ ધીમે ધીમે જરૂરત મુજબ ખોલાતા હોય છે. જેથી નદીના પ્રવાહને જોઇને જ લોકોને સાવધ થવા મોકો મળે છે.
હિરણ-2, કમલેશ્વર ડેમ 20 વખત છલકાયા
તાલાલા ગીર પંથકમાં બંધાયેલો હિરણ-2 ડેમ અને કમલેશ્વર ડેમ 1959માં બંધાયો છે. જે 60 વર્ષમાં 20 વખત છલકાયો છે. 1961માં પ્રથમ વખત ઓવરફલો પછી 1970,71,79,80,83, 88, 89, 92, 94, 2003, 04, 05, 06,07, 08, 10, 2011, 2013, 2018, 2019, 2020માં ઓવરફલો થયા છે.