- કેન્દ્ર સરકારની CIFT સંસ્થાએ મહિલાઓને આપી તાલીમ
- સંસ્થાએ સેમિનાર યોજી 400 મહિલાઓને વાનગી બનાવવાની તાલીમ આપી
- CIFT દેશના સાગરખેડૂઓની આવક બમણી કરવા અનેક કાર્યક્રમો યોજે છે
ગીર સોમનાથઃ વેરાવળમાં કાર્યરત કેન્દ્ર સરકારની સંસ્થા CIFT દ્વારા દેશના સાગરખેડૂઓની આવકને બમણી કરવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. દરિયાઈ માછલીઓની 60 ટકા પ્રજાતિમાંથી વિવિધ વાનગીઓ બનાવી ખોરાક તરીકે લઈ શકાય છે, જેને લઈ છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન CIFT સંસ્થા દ્વારા સેમિનારો યોજી માછીમાર સમાજની 400 જેટલી બહેનોને જુદી જુદી ફિશમાંથી કઈ રીતે અવનવી વાનગી બનાવીને રોજગારી મેળવી પગભર બની શકાય તેવી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં બહેનોને બર્ગર, પીઝા, સમોસા, સેન્ડીવીચ, સ્પ્રીંગ રોલ, ચીઝ બોલ, બિસ્કીટ, પાપડ, ચટણી, અથાણા, બિરીયાની, જવલા બાઈટસો જેવી અનેકવિધ વાનગીઓ બનાવતા શિખવાડવામાં આવ્યું હતું.
23 મહિલાઓ પ્રતિમાસ 4,000થી વધુની આવક મેળવી રહી છે
આવા સેમિનારથી તાલીમબદ્ધ બનેલી 23 મહિલાઓને રોજગારીની તક ઉભી થાય તે માટે સાગર મંથન ઉત્થાન મંડળ દ્વારા સામૂહિક રસોડું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ફિશમાંથી બનતી અનેક વાનગીઓ હાલ શહેરમાં હોમ ડિલીવરીરૂપે પહોંચાડવાની નાના પાયે શરૂઆત કરવામાં આવી છે, જેના થકી બપોરે 1થી સાંજે 8 વાગ્યા સુધી કામ કરી 23 મહિલાઓ પ્રતિ માસ સાડા ચાર હજારથી વધુની આવક મેળવતી થઈ છે.
આ પણ વાંચોઃ અંબાજીમાં વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાઈ
કાશ્મીરી વિદ્યાર્થીઓનું એક ગૃપ વેરાવળ પહોંચ્યું હતું
તાજેતરમાં જમ્મુ-કાશ્મીર યુનિવર્સિટીની બે વૈજ્ઞાનિક-પ્રોફેસરના નેજા હેઠળ 35 કાશ્મીરી વિદ્યાર્થીઓનું એક ગૃપ અહીંના મત્સયોદ્યોગની કામગીરીથી માહિતગાર થવા વેરાવળ આવી હતી. આ ગૃપ માછીમાર મહિલાઓ માછલીમાંથી તૈયાર કરાતી વિવિધ વેલ્યુએડેડ વાનગીઓ બનાવતી બહેનોના રેસ્ટોરાંની મુલાકાતે લેવા પહોંચ્યા હતા. આ બાબતે 23 મહિલાના સાગર મંથન ઉત્થાન મંડળના શૈલેષ ચોરવાડી અને અનસુયા બેને જણાવ્યું હતું કે, કાશ્મીરના વિદ્યાર્થીઓના પ્રતિનિઘિ મંડળે આ મુલાકાત દરમિયાન વિવિધ વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. ફિશમાંથી બનતા અથાણા, સમોસા, ચીઝ બોલ સહિતની તમામ વાનગીઓ જમ્મુ કાશ્મીરની હોટલ રેસ્ટોરાંમાં પીરસાય તે માટે તૈયારી દાખવી હતી. આ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આથી આગામી દિવસોમાં કાશ્મીરના રેસ્ટોરરાં-હોટલોના મેનુમાં અને લોકોને વેરાવળની માછીમાર સમાજની મહિલાઓ દ્વારા ફિશમાંથી બનાવાતી વિવિધ વાનગીઓ ખાવા મળશે.
કાશ્મીરના પ્રતિનિધિ મંડળે વિવિધ વાનગીઓ કાશ્મીરમાં ફ્રેન્ચાઈઝી રાખી વેચાણ કરવા રસ દાખવ્યો
જમ્મુ કાશ્મીરની મોટા ભાગની વસતીનો ખોરાક નોનવેજ છે. કાશ્મીરના લોકો મોટાભાગે મીઠા પાણીની ફીશ આરોગે છે. કાશ્મીરમાં ફિશનું ઓછું ઉત્પાદન હોવાથી દેશના અન્ય રાજ્યો-શહેરોમાંથી આયાત કરી જરૂરિયાત પૂરી પાડે છે. કાશ્મીરમાં પરંપરાગત રીતે ફિશ વેચાય છે અને ખવાય છે. જ્યારે ફીશમાંથી બનતી અવનવી વાનગીઓ-અથાણાઓ ત્યાં મળતા નથી. આથી કાશ્મીરની યુનિવર્સિટીના અહીં આવેલા પ્રતિનિધિ મંડળે વિવિધ વાનગીઓ કાશ્મીરમાં ફ્રેન્ચાઈઝી રાખી વેચાણ કરવા રસ દાખવ્યો છે.