- CRPF કોબ્રા કમાન્ડોની કોડિનારમાં નીકળી અંતિમ યાત્રા
- હજારોની સંખ્યામાં લોકો જોડાયા
- નેતાએ તેમજ અન્ય આર્મીના જવાનો જોડાયા
- વીર જવાનનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો
કોડિનાર: બિહાર રેજીમેન્ટ 5માં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા ગીર સોમનાથનાં કોડીનારનાં વતની અજીતસિંહ પરમારનો પાર્થિવદેહ આખરે મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો છે. કોડીનાર ખાતે વહેલી સવારે 7.30 કલાકે પાર્થિવ દેહ આવતા વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. કોડીનારનાં લાલકવાડી વિસ્તાર ખાતે આવેલા શહિદ અજીતસિંહ પરમારનાં ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. કોડીનાર શહેરના વેપારીઓ પણ બપોર સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી અંતિમ યાત્રામાં જોડાયા હતા. શિહદ કમાન્ડોના મામા ભરતભાઈ બારડ તેમના પાર્થિવ દેહને મધ્યપ્રદેશમાં લેવા પહોંચ્યા હતા. તેઓએ મધ્યપ્રદેશ પોલીસ, રેલવે પોલીસ અને પ્રસાશન પર ગંભીર આરોપ લગાવ્યો છે. કે તમામ એજન્સીઓ અને પ્રસાશને કમાન્ડોનાં મોતની તપાસ અને પીએમને લઈ ગંભીર બેદરકારી રાખી છે. એટલું જ નહિ બોડી આપવા અને પેનલ પીએમ કરવામાં પણ આનાકાની કરવામાં આવી હતી. CRPF પર મૃતક કમાન્ડોનાં મામાએ આરોપ લગાવ્યો છે કે, 'CRPF ખુદ આ મોતમાં સામેલ હોઈ તેવી આશંકા છે.
નેતાએ સહિતના લોકો જોડાયા
અંતિમ યાત્રામાં ગીર સોમનાથનાં નેતાઓ પણ જોડાયા હતા. જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા જોડાયા હતા. રાજેશભાઈ ચુડાસમાએ શહિદ કમાન્ડોનાં પરિવારને આશ્વાસન આપ્યું છે કે,'કમાન્ડોનાં શહિદીની તટસ્થ તપાસ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે અને શહીદીની હકીકત બહાર લાવવામાં આવશે. શહીદ કમાન્ડોની અંતિમ યાત્રામાં કરણી સેના તેમજ ગાંધીનગર CRPF જવાનો અને સૌરાષ્ટ્ર-કચ્છનાં એક્સ આર્મીમેન પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કમાન્ડોની છેલ્લી વાત તેની ફિયાન્સી સાથે થઈ
12 નવેમ્બરે કમાન્ડો અજિતસિંહ બિહાર રેજિમેન્ટમાંથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે અજિતસિંહે તેમની ફિયાન્સી સાથે ફોનમાં વાત કરીને કહ્યું કે, હવે સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ, પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો, આથી તેમની ફિયાન્સીએ સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં. બાદમાં મુંબઈ રેલવે સ્ટેશન પરથી અજિતસિંહનો સામાન મળ્યો પણ તેઓ સાથે નહોતા.
શું હતો સમગ્ર મામલો?
દિલ્હીથી વડોદરા રાજધાની ટ્રેનમાં આવતા સમયે કમાન્ડો 13 તારીખે ગુમ થયા હતા. 14 તારીખે તેમનો સામાન મુંબઇ રેલવે પોલીસને મળ્યો હતો. રતલામ રેલવે પોલીસને મૃતદેહ રેલવે ટ્રેક નજીક મળી આવ્યો હતો. 15 તારીખે પરિવારને જાણ થઈ કે કમાન્ડોનું મોત થયું છે અને મૃતદેહ રતલામ રેલવે પોલીસને મળ્યો છે. જોકે આ તમામ બાબતો વચ્ચે રતલામ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો પરિવારજનો અને કરણી સેનાએ આક્ષેપ કર્યો છે.
શા માટે પોસ્ટમોર્ટમ કરવામાં ન આવ્યું?
મૃતદેહ કોનો છે? મૃતક ક્યાંનો રહેવાસી છે? તે અંગે કોઈ તપાસ કેમ ન થઈ? જેવા અનેક સવાલો વચ્ચે એમપી પોલીસ ઘેરાઈ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં કમાન્ડોનાં મોતને લઈને તેનો પરિવાર, રાજપૂત અને અન્ય સમાજોમાં એમપી પોલીસની ભૂમિકાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. તેમજ કમાન્ડોનાં મૃત્યુ પાછળ કોણ જવાબદાર અને ક્યાં કારણે આ તમામ ઘટના ઘટી છે. તેમને લઈ જો યોગ્ય ન્યાય નહીં મળે તો કરણી સેના દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.