પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ કરોડો હિંદુઓની આસ્થા, શક્તિ અને સહિષ્ણુતાનું પ્રતિક છે.
ઇતિહાસ વિદોના મતે સોમનાથ મંદિર 17 વખત લૂંટાયા અને ધ્વસ્ત થયા બાદ પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પના કારણે ભવ્ય જાજરમાન સોમનાથ મંદિર ઉપર આજે શૌર્ય ધ્વજ લહેરાઈ રહ્યો છે. 2010થી 2020નો દાયકો હાલના સોમનાથના ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકો રહ્યો છે તેવું ચોક્ક્સ કહી શકાય.
આ દાયકા દરમિયાન જ સોમનાથ મહાદેવને અનેક ભક્તોએ અલગ-અલગ રીતે પૂજ્યા છે. લખી પરિવાર નામના ભક્તોએ સોમનાથમાં 108 કિલોથી વધુ સોનુ અર્પણ કર્યું હતું. મહાદેવના શિવલિંગનું થાળુ સોનાનું બનાવવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં પણ દીવાલો ઉપર સોનુ લગાવવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ મંદિર ને z+ સુરક્ષા પણ આપવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ અમિત શાહ ટ્રસ્ટી બન્યા, જેથી કેન્દ્ર સરકારની સહાયની સોમનાથ ઉપર કોઈ કસર જ રહી નથી. જેના પગલે સોમનાથમાં કરોડોના ખર્ચે પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા છે. ત્યારે 2020નું વર્ષ અને દશક સોમનાથનો વધુ વિકાસ થાય તેવી પ્રાર્થના સાથે ઇટીવી ભારતના વાંચક મિત્રોને જય સોમનાથ...